આપણે જેનો રોજ ઉપયોગ કરીએ છીએ એ “ઘઉં” ભરતા પહેલા તેની આ જાતો વિશે પણ જાણી લો

0
6927

મિત્રો ઘઉં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અનાજ છે. ઉપવાસના દિવસો છોડીને રોજ કોઈને કોઈ રૂપમાં આપણે એનું સેવન કરીએ છીએ. અને તે આપણા શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. ઘઉં એ વિશ્વમાં 35% લોકોને અનાજ પૂરું પાડે છે, અને તે 43 જેટલા દેશોમાં વપરાય છે.આજના આ લેખમાં અમે તમને ઘઉંની અલગ અલગ જાત વિષે જણાવીશું. જેથી તમે પણ ઘઉં ભરાવતા પહેલા એના વિષે જાણીને નક્કી કરી શકો કે તમારા માટે કયા ઘઉં ભરાવવા વધારે યોગ્ય છે.

જો ઘઉંની જાતોની વાત કરીએ તો એની મુખ્ય 3 જાત છે,

1. બન્સી :

જાણકારી માટે જણાવી દઈએ કે બન્સી ઘઉંને જવીયા ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. બન્સી ઘઉંમાં ફાઇબર સૌથી વધારે હોય છે. અને જવ જેટલા જ ફાઇબર આ ઘઉંમાં હોવાને કારણે કે આને જવીયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે.

તેમાં ફાઇબર વધુ હોવાથી પાચન જલ્દી થાય છે. તેમજ ઘઉંની આ જાતમાં ગ્લુટેન નહિવત જેટલું હોય છે. અને આ ઘઉંનો લોટ બાંધતી વખતે એમાં મોણ (તેલ) ન નાખો તો પણ ચાલે. કારણ કે આ ઘઉંના લોટમાં મોણ નાખવાથી રોટલી કડક લાગે છે.

2. ટુકડા :

ટુકડા ઘઉં વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે ખવાતી જાણીતી જાત છે. અને તેને ટુકડી ઘઉં પણ કહેવાય છે. જણાવી દઈએ કે ઘઉંની આ જાતમાં ફાઇબર થોડું ઓછું અને ગ્લુટેન થોડું વધારે હોય છે. હાલ 496 તથા અલગ અલગ રિસર્ચ જાત આવે છે.

3. લોક – ૧ :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઘઉં ખરેખર તો મિલબર ઘઉં જ કહેવાય છે. અને આ જાતના ઘઉંમાં સૌથી વધુ ગ્લુટેન રહેલું હોય છે. આ ઘઉંમાં ફાઇબર નહિવત જ હોય છે, એટલે તે ઘણા સસ્તા મળે છે. અને એનો સૌથી વધુ ઉપયોગ મેંદો બનાવવા માટે થાય છે.

આ ત્રણ જાત ઉપરાંત ભાલીયા ઘઉં પણ ઘણા પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંને દાઉદખાની ઘઉં કે કાઠા ઘઉં પણ કહેવામાં છે. અને દાણો અતિશય કડક હોય છે. તેમજ ભાલિયા ઘઉંમાં ગ્લુટેન વધુ હોવાથી તેમાંથી બનેલી રોટલી કે વાનગીઓ ખાવામાં મીઠી લાગે છે.

તે શરીરમાં ફેલાતા ઝેરી પદાર્થને અટકાવે છે. અને તે ટાઈપ 2 ડાયાબિટીઝને પણ ઘટાડે છે. તેમજ હૃદયને મજબૂત રાખે છે. આ ઘઉં કૉલોરેક્ટલ કૅન્સરના જોખમને ઘટાડે છે. અને શરીરમાં વધારે કેલેરી જમા થતી અટકાવે છે. આવા જ ફાયદાઓના કારણે હવે ભાલિયા ઘઉં શ્રીમંત લોકોની પહેલી પસંદ બની ગયા છે. અને આથી જ તેના ભાવ વધુ મળે છે.

એ સિવાય વાજિયા, પૂંસા, પૂનમિયા, જૂનાગઢી, સરબતી, સોનારા, કલ્યાણ સોના, સોનાલીકા ઈત્યાદિ ઘઉંની જાતો પણ જાણીતી છે. નીચે ઘઉંના પ્રકાર પરથી એનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ જણાવ્યું છે. એના ઉપર પણ એક નજર ફેરવી લઈએ.

સોફટ ઘઉં : જણાવી દઈએ કે કેક, ડોનટ્સ, કુકીઝ, પ્રેસ્ટિઝ વગેરે બનાવવામાં સોફટ ઘઉં વપરાય છે. અને તેમાં 6-10% જેટલું પ્રોટીન હોય છે.

દુરમ ઘઉં : મિત્રો આ પ્રકારના ઘઉંની રચના કઠોર હોય છે. અને સખત ઘઉંમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. સાથે જ તેમાં ઉચ્ચ પ્રોટીન અને ગ્લુટેન પણ હોય છે. જેને પાણી સાથે ભેળવીને કણક બનાવી એમાંથી પાસ્તા, નુડલ્સ, સ્પેગેટી, સિમોલીના અને મેક્રોની વગેરે બનાવવામાં આવે છે.

હાર્ડ રેડ વિન્ટર ઘઉં : આ પ્રકારના ઘઉં બ્રેડ, બિસ્કિટ, બર્ગર વગેરે બનાવવામાં વપરાય છે. તેમાંથી સારી જાતનો લોટ તૈયાર કરવામાં આવે છે, જેમાં 10-14 % પ્રોટીન હોય છે. જેથી તેમાં ગ્લુટેન વધુ પ્રમાણમાં હોય છે.

આપણા શરીરને સૌથી વધુ ફાઇબરની જરૂર પડે છે, એટલે ઘઉં ખાવા આપણા માટે ઘણા જરૂરી છે. તેમજ ગ્લુટેન (મેંદો) પચવામાં ભારે અને કબજિયાતનું કારક હોય છે.

મિત્રો આ માહિતી તમારી જાણકારી માટે મુકવામાં આવી છે કે, આપણા શરીરને કેવો ખોરાક ફાયદાકારક છે.

– રાજન પરમાર