ઘરમાં નવી આવેલી વહુએ ખીચડી બનાવી પણ એનાથી થઇ ગઈ આ મોટી ભૂલ, પછી થયું કંઈક આવું……

0
1876

મિત્રો, જો પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખવી હોય, તો દરેક સભ્યએ એક બીજા સાથે હળી મળીને રહેવું પડે છે અને એક બીજાનો આદર કરવો પડે છે. તેમજ જો ઘરના તમામ નિર્ણય સાથે મળીને બધાની સહમતીથી અને બધાની સલાહ લઈને લેવામાં આવે, તો ક્યારેય કોઈનું મનદુઃખ નહિ થાય અને કજિયો પણ ના થાય. આજે અમે તમને એક એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જે તમને એક સારી શીખ આપતી જશે.

તો સ્ટોરી છે શહેરના એક શેઠની. એ શેઠના બે દીકરા હતા અને જેમાંથી મોટા દીકરાના લગ્ન થઇ ચુક્યા હતા. અને નાનો દીકરો પણ પરણવા લાયક થઇ ગયો હતો. શેઠ અને એમનો આખો પરિવાર ખુબ જ ખુશ હતો અને હસી ખુશી પોતાનું જીવન જીવી રહ્યો હતો. સમય પસાર થતો ગયો અને શેઠના નાના દીકરા માટે સારી છોકરી મળી જતા એના પણ લગ્ન થઇ ગયા.

એક દિવસ શેઠને એક સપનું આવ્યું. સપનામાં એણે જોયું કે લક્ષ્મી માતા એના ઘરને છોડીને જઈ રહ્યા છે. અને જતા જતા લક્ષ્મી માતાએ શેઠને કહ્યું કે, હવે મારી જગ્યા પર તમારા ઘરે કલેશ આવવાનો છે. તો શેઠે લક્ષ્મી માતા પાસે આશીર્વાદ માંગ્યા કે, ભલે મારા ઘરમાં કલેશ આવી જાય, પરતું મારા પરિવારના લોકો વચ્ચે હંમેશા પ્રેમ બની રહે એવી કૃપા કરજો. અને પછી લક્ષ્મી માતા જતા રહ્યા અને શેઠ પણ ઊંઘમાંથી ઉઠી ગયા.

શેઠના નાના દીકરાના લગ્ન પછી એક દિવસ નવી વહુ બધાના જમવા માટે ખીચડી બનાવી રહી હતી. એણે ખીચડી બનાવવા માટે ગેસ પર મૂકી અને તે બીજા કામમાં લાગી ગઈ. એ દરમ્યાન શેઠની મોટી વહુ રસોડામાં આવી અને એણે ચાખ્યા વગર જ ખીચડીમાં મીઠું નાખી દીધું અને તે પણ એના કામમાં લાગી ગઈ. હવે શેઠનો જમવાનો સમય થયો એટલે શેઠ જમવા બેઠા અને એમને ખીચડી પીરસવામાં આવી. ત્યારે એમને ખબર પડી કે ખીચડીમાં મીઠું ખુબ જ વધારે છે. એમને લક્ષ્મી માતા વાળું સપનું યાદ આવ્યું અને તે સમજી ગયા કે ઘરમાં કલેશ આવી ચુક્યો છે.

શેઠ જમીને પરવાર્યા એટલામાં એમનો મોટો છોકરો દુકાનેથી આવ્યો અને ખાવા બેઠો. મોટા દીકરાને પણ ખીચડીમાં મીઠું વધારે લાગ્યું. એણે પૂછ્યું કે, પપ્પાએ જમી લીધું? તો એને હા માં જવાબ મળ્યો. એણે વિચાર કર્યો કે જો પપ્પા કાંઈ ન બોલ્યા, તો હું પણ ચુપચાપ ખાઈ લવ છું. આ રીતે ઘરના દરેક સભ્યોએ મીઠા વાળી ખીચડી ફરિયાદ કર્યા વગર ખાઈ લીધી.

છેલ્લે શેઠની નાની વહુ જમવા બેઠી તો એને ખબર પડી કે, ખીચડીમાં મીઠું ઘણું વધારે પડી ગયું છે. એના મનમાં વિચાર આવ્યો કે, બધાએ વધારે મીઠા વાળી ખીચડી ખાઈ લીધી અને મારી ફરિયાદ પણ ન કરી. જમ્યા પછી તરત જ નાની વહુએ પરિવારના દરેક સભ્યોની માફી માંગી. અને દરેક લોકોએ આ વાતને મજાકમાં જતી કરી દીધી.

અને એ જ રાત્રે શેઠને સપનામાં લક્ષ્મી માતા દેખાયા. સપનામાં લક્ષ્મી માતાએ શેઠને કહ્યું કે, કલેશ તમારું ઘર છોડીને જઈ રહ્યો છે અને હું ફરીથી તમારા ઘરમાં આવી રહી છું. જયારે શેઠે લક્ષ્મી માતાને આનું કારણ પૂછ્યું, તો માતાએ જણાવ્યું કે, જે ઘરમાં આટલો પ્રેમ હોય ત્યાં કલેશ કંકાશ રહી જ ના શકે.

મિત્રો, અહીં શેઠ કે એમનો મોટો દીકરો કે પછી મોટા દીકરાની વહુ શેઠના નાના દીકરાની વહુ સાથે કજિયો કરી શકે એમ હતું. અને જો કજિયો થાત તો નાની વહુ એમ કહી શકતે કે, મેં તો મીઠું બરાબર જ નાખ્યું હતું, અને પછી બંને વહુઓ વચ્ચે મોટી તકરાર થઇ જતે એવી પરિસ્થિતિ હતી. પણ પરિવારની સમજદારીએ આ વસ્તુ થવા જ ન દીધી.

આ સ્ટોરી પરથી આપણને એ શીખ મળે છે કે, જે પરિવારના દરેક સભ્યો એક બીજાને પ્રેમ કરે છે, અને મુશ્કેલ સમયમાં હંમેશા એક સાથે રહે છે, એવા પરિવારનું કોઈ કઈ પણ બગાડી શકતું નથી. સાથે મળીને રહેવાથી કોઈ દિવસ પરિવારના ટુકડા નથી થતા.