એક સેલ્સ ગર્લથી લઈને દેશની નાણાં મંત્રી સુધી, આવી હતી નિર્મલા સીતારમણના જીવનની સફર

0
345

આપણા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણનું જીવન તે કરોડો મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, જે પોતાના જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવા માંગે છે. એક સામાન્ય કુટુંબમાં જન્મેલા નિર્મલા સીતારમણે પોતાની મહેનતથી પોતાની એક ઓળખાણ ઉભી કરી, અને આજે તે ઊંચા હોદ્દા ઉપર સેવાઓ આપી રહી છે.

નિર્મલા સીતારમણ બીજેપી પાર્ટીની એક જાણીતી વ્યક્તિ છે, અને તેમણે કેન્દ્રીય સરકારમાં ઘણા મહત્વના હોદ્દા ઉપર કામ ર્ક્યું છે. એક અરાજકીય કુટુંબમાં જન્મેલા નિર્મલા સીતારમણે રાજકારણમાં આવતા પહેલા એક સેલ્સ ગર્લ તરીકે પણ કામ કર્યું હતું, અને આજે મહેનત કરી તે સેલ્સ ગર્લ દેશના નાણામંત્રી બની શક્યા છે.

મદુરેમાં થયો હતો જન્મ :

નિર્મલા સીતારમણનો જન્મ મદુરેમાં થયો હતો અને તેમણે પોતાના ગ્રેજ્યુએટ સ્તરનો અભ્યાસ ત્રિચીરાપલ્લીના સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી કર્યો હતો. પોતાનો ગ્રેજ્યુએટ સ્તરનો અભ્યાસ પૂરો કર્યા પછી નિર્મલા સીતારમણે દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો હતો, અને ત્યાંથી એમએનો અભ્યાસ પૂરો કર્યો હતો.

દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતી વખતે નિર્મલા સીતારમણની મુલાકાત પરકલ પ્રભાકર સાથે થઇ હતી, અને પાછળથી પરકલ પ્રભાકર સાથે નિર્મલા સીતારમને લગ્ન કરી લીધા હતા. પરકલ પ્રભાકરનું કુટુંબ રાજકારણ સાથે જોડાયેલું હતું અને તેઓ કોંગ્રેસ પાર્ટીને સમર્થન કરતા હતા. પરકલ પ્રભાકરના પરિવારના સભ્ય કોંગ્રેસ પાર્ટી તરફથી ધારાસભ્ય રહેતા હતા.

કર્યું સેલ્સ ગર્લ બનીને કામ :

પોતાનો એમએનો અભ્યાસ પૂરો કર્યા પછી નિર્મલા સીતારમણ લંડન સ્કુલ ઓફ ઇકનોમિક્સમાંથી પીએચડી કરવા માટે લંડન જતા રહ્યાં. તે દરમિયાન તેમણે સેલ્સ ગર્લ તરીકે કામ કર્યું. સેલ્સ ગર્લ તરીકે તેમના દ્વારા કરવામાં આવેલુ કામ કંપનીના માલિકોને એટલું પસંદ આવ્યું કે, તેમને તે કામ માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા. અને પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી નિર્મલા સીતારમણે યુનાઈટેડ કિંગ્ડમના એગ્રીકલ્ચર એન્જીનીયર્સ એસોસીએશન માટે પણ કામ કર્યું. વર્ષ ૧૯૯૧માં તે પોતાના પતિ સાથે પાછી ભારત આવી ગઈ હતી.

બીજેપીમાં જોડાઈ ગયા :

નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૦૬ માં બીજેપી પાર્ટી જોઈન કરી હતી. આ પાર્ટી તરફથી તેમને ૨૦૧૦ માં પાર્ટી પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. તેમના કામને જોઈને વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તેમણે લેવામાં આવ્યા હતા. અને 3 સપ્ટેમ્બર ૨૦૧૭ માં તેમને દેશના સુરક્ષામંત્રી બનાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધી પછી આ હોદ્દો સંભાળનારા આ બીજા મહિલા હતા.

વર્ષ ૨૦૧૯ માં બન્યા નાણામંત્રી :

વર્ષ ૨૦૧૯માં બીજેપી પાર્ટીના ફરીથી સત્તામાં આવ્યા પછી નિર્મલા સીતારામનને નાણામંત્રીનો હોદ્દો સોપવામાં આવ્યો. તેની સાથે જ તે દેશની પહેલા ફૂલ ટાઈમ નાણામંત્રી બન્યા. તે કર્નાટકની સીટ ઉપરથી રાજ્યસભાની સાંસદ છે.

નિર્મલા સીતારમણ દ્વારા સંભાળવામાં આવ્યા બીજા હોદ્દા :

નાણામંત્રી અને સુરક્ષામંત્રીનો હોદ્દો સંભાળવા ઉપરાંત તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે પણ કામ કર્યું છે, અને વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી તેમણે વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.