40 વર્ષ માટે ભગવાન વરદરાજા જળસમાધિમાં રહે છે, 2059 માં એમની મૂર્તિ આવશે બહાર, જાણો વધુ વિગત

0
4162

આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે. અને દરેકનું પોતાનું અલગ મહત્વ હોય છે. આજે અમે તમને એવા જ અદ્દભુત મંદિર વિષે જણાવીશું જે બીજાથી એકદમ અલગ છે. એ મંદિર છે અત્તિ વરદરાજા પેરુમલ મંદિર જે કાંચીપુરમમાં આવેલું છે. કહેવાય છે કે, તમિલનાડુનું કાંચીપુરમ, વિશ્વના સાત સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. અને અહીં 125 જેટલા મોટા મંદિરો આવેલા છે, જે પ્રત્યેકનો પોતાનો ઇતિહાસ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દર 40 વર્ષ પછી આનંદ સરસ સરોવરમાંથી અત્તિ વરદરાજાની મૂર્તિને બહાર કાઢવામાં આવે છે. અને 48 દિવસ પછી પ્રભુની મૂર્તિને ફરી તળાવમાં જળસમાધિ આપવામાં આવે છે. આ દૃશ્ય ‘વન્સ ઈન અ લાઈફ ટાઈમ’ જેવું હોય છે. અત્તિ વરદરાજા પેરુમલ મંદિર ત્રણ માળનું છે. અને મંદિરનું પરિસર આશરે 23 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અને આ મંદિરના પરિસરમાં કેટલાક તળાવો અને નાના મંદિરો પણ આવેલા છે. તેમજ આ મંદિરમાં લગભગ 400 પિલ્લર વાળો હોલ પણ બનાવવામાં આવ્યો છે.

મિત્રો, અત્તિ વરદરાજા ભગવાન વિષ્ણુનો અવતાર છે. અને આ મંદિરમાં દર 40 વર્ષે એકવાર પ્રભુના આ અવતારની મૂર્તિ તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ મંદિરમાં 48 દિવસ સુધી મૂર્તિને દર્શન માટે રાખવામાં આવે છે. 48 દિવસ પછી ફરી 40 વર્ષ માટે મૂર્તિને તળાવમાં રાખવામાં આવે છે. હવે વર્ષ 2059માં આ પ્રતિમા ફરીથી 48 દિવસ માટે તળામાંથી બહાર કાઢવામાં આવશે. ગઈ સદીમાં મૂર્તિને વર્ષ 1939 અને 1979 માં તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.

છેલ્લે 28 જૂન 2019 ના રોજ વેદપતિ પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પીઠપર રાખીને મૂર્તિને પાણીમાંથી બહાર કાઢી હતી. અને 17 ઓગસ્ટ 2019 ના રોજ 48 દિવસ પૂરા થતા આ મૂર્તિને રાત્રે પવિત્ર તળાવમાં સમાધિ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ મૂર્તિ અંજીરના લાકડામાંથી બનેલી છે અને 9 ફૂટ ઊંચી છે.

આ મંદિર વિશે વાત કરીએ, તો પુરાણોથી લઈને મોગલો સુધીની ઘણી વાતોમાં આનો ઉલ્લેખ મળે છે. આ મંદિર સાથે જોડાયેલી સૌથી પ્રાચીન દંતકથા ભગવાન બ્રહ્મા સાથે સંકળાયેલી છે. એવું કહેવાય છે કે, કાંચીપુરમ બ્રહ્માજીના યજ્ઞની ભૂમિ છે. તે એકવાર યજ્ઞ કરવા માટે આ સ્થળે આવ્યા હતા. અને એ યજ્ઞમાં પત્નીએ સાથે હોવું જરૂરી હતું. પરંતુ તે સમયે ભગવાન બ્રહ્માના પત્ની સાવિત્રી હાજર ન હતા, ત્યારે બ્રહ્માજીએ ગાયત્રી સાથે યજ્ઞની શરૂઆત કરી.

આ વાતની જાણ થતા સાવિત્રી ખુબ ગુસ્સે થયા હતા. અને એમણે વેગવતી નામની નદીનું સ્વરૂપ ધારણ કર્યું, જે આજે પણ કાંચીપુરમમાં વહે છે. તેની ગતિથી તેણે કાંચીનો નાશ કરવાનો નિર્ણય કર્યો. પણ તે દરમિયાન ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. અને તેમણે પોતાના શરીરથી વેગવતી નદીનો પ્રવાહ બંધ કરી દીધો. ભગવાન તેને રોકવા માટે પોતે જમીન પર દિવાલની જેમ સૂઈ ગયા.

પછી સાવિત્રીને પોતાની ભૂલ સમજાઈ અને એમનો ક્રોધ ઓછો થયો. ત્યારબાદ બ્રહ્માના કહેવા પર વિશ્વકર્માએ અંજીરની લાકડીઓમાંથી ભગવાન વિષ્ણુની એક મૂર્તિ તૈયાર કરી. એનું નામ હતું અત્તિ વરદરાજા. આ નામનો અર્થ સમજવો હોય તો જણાવી દઈએ કે, અત્તિ એટલે અંજીરનું લાકડું અને વરદરાજા એટલે કે જેઓ તમામ પ્રકારના વરદાન આપે છે તે.

બ્રહ્મા દ્વારા શરુ કરાયેલો યજ્ઞ પૂર્ણ થયો, પણ એ યજ્ઞની અગ્નિ એટલી પ્રબળ હતી કે ભગવાન વિષ્ણુ સહન કરી શક્યા નહીં. એટલે એમણે મંદિરના પુજારીને સ્વપ્નમાં એવી સૂચના આપી કે, તે મૂર્તિને મંદિરના અનંત સરસ તળાવમાં જ રાખવી અને પૂજા માટે બીજી પ્રતિમાને પથ્થરમાંથી બનાવવી. ત્યારબાદ પુજારીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે, તો અમને આ મૂર્તિના દર્શન કેવી રીતે થશે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે, દર 40 વર્ષે એક વખત તેને 48 દિવસ માટે બહાર કાઢવામાં આવશે. અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

આ પ્રથા વિષે કેટલાક લોકોનું એવું માનવું છે કે, જ્યારે મુગલોએ દક્ષિણ ભારત પર હુમલો કર્યો અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડ્યું ત્યારે આ મૂર્તિને મંદિરના તળાવમાં છુપાવામાં આવી હતી. ત્યારબાદ 40 વર્ષ પછી તેને મંદિરના ધર્માધિકારીના પુત્રોએ બહાર કાઢી હતી. ત્યારથી આ પરંપરા શરૂ થઈ.

આ મંદિરના સંચાલન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, જે તળાવમાં મૂર્તિ રાખવામાં આવે છે એનું પાણી ક્યારેય ઘટતું નથી. અને 40 વર્ષમાં આ તળાવ સુકાતું પણ નથી. તે ફક્ત મૂર્તિને બહાર કાઢવા માટે ખાલી કરવામાં આવે છે. એ પછી 48 દિવસ સુધી આ તળાવ સૂકું રહે છે. અને એટલા દિવસ માટે આ તળાવનું પાણી નજીકના અન્ય તળાવમાં ઠાલવવામાં આવે છે. શ્રી સંતનામનું કહેવું છે કે, વર્ષ 1979 માં ભગવાનને પાણી પુરૂ પાડવા એમની મૂર્તિને તળાવમાં મુકવામાં આવી હતી. તે રાત્રે એટલો ભારે વરસાદ પડ્યો હતો કે, આખા તળાવમાં વરસાદી પાણી ભરાયા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અત્તિ વરદરાજાની આ લાકડાની મૂર્તિ આટલા વર્ષોથી સતત પાણીમાં રહેવા છતાં પણ સડી નથી. તેમજ મૂર્તિના મૂળ સ્વરૂપમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને આ મૂર્તિ પર કોઈ પણ પ્રકારનું કોટિંગ પણ કરવામાં આવ્યું નથી. જે રીતે તેને પાણી માંથી બહાર કાઢવામાં આવે છે, તેવી જ રીતે તેને ફરીથી અંદર રાખવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ તળાવની વચ્ચે એક 24 ફૂટનો કુંડ છે. અને અત્તિ વરદરાજાનો મંડપ તેના પર જ બનાવવામાં આવ્યો છે. આ જ મંડપમાં ભગવાનને જળ ચઢાવવામાં આવે છે. અહીં ભગવાનને ઊંઘતા હોય એ મુદ્રામાં રાખવામાં આવે છે. સ્વાભાવિક વાત છે કે, આ મૂર્તિ લાકડાની બનેલી હોવાથી તે પાણીમાં વહી શકે છે. તો એને રોકવા માટે પથ્થરથી બનેલા સાત શેષનાગ આ મૂર્તિ પર મૂકવામાં આવ્યા છે, જેનું વજન હજારો કિલોનું છે.

મિત્રો, પ્રભુના આ મંદિરની આખી પૂજા આયંગર બ્રાહ્મણોના હસ્તક છે. 6 પરિવારો મળીને આ કાર્યનું સંચાલન કરે છે. અત્તિ વરદારની ઉજવણીને કારણે તામિલનાડુમાં દેશભરના આયંગર બ્રાહ્મણોને આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. અને બધા તેમની ક્ષમતા પ્રમાણે મંદિરમાં સહકાર આપે છે.

આ વર્ષે મૂર્તિના દર્શનના અંતિમ દિવસે ભગવાનની પૂજા કર્યા પછી ‘મહાનિસ્તેશ’ કરવામાં આવશે. મહાનિસ્તેશ એટલે ભગવાનને મહાભોગ ચઢાવવામાં આવશે. આ ભોગ સામાન્ય ઉપભોગ કરતાં વધુ હોય છે, કારણ કે આ રાત્રે ભગવાનને ફરીથી પવિત્ર તળાવમાં પાણીમાં રાખવામાં આવે છે.

જણાવી દઈએ કે, આ કામ માટે ફક્ત મુખ્ય પૂજારી અને મંદિરના કેટલાક વિશેષ કર્મચારીઓ જ ઉપસ્થિત રહે છે. અને સામાન્ય લોકોને તેનાથી દૂર રાખવામાં આવે છે. તેમજ આ મૂર્તિને બહાર કાઢતી વખતે એન તેને ફરીથી સમાધિ આપતી વખતે કોઈ દિવસ બેન્ડ વગાડવામાં આવતા નથી, અને ફટાકડા પણ ફોડવામાં નથી આવતા. એ સમયે ફક્ત વેદપતિ બ્રાહ્મણો વૈદિક મંત્રો ગાતા રહે છે. કર્મચારીઓ અને પંડિતો મળીને તળાવમાં મૂર્તિ મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે. ભગવાનનો તમામ શ્રૃંગાર બહાર કાઢી લેવામાં આવે છે. ફક્ત એક વસ્ત્ર પહેરાવવામાં આવે છે.

મળેલી જાણકારી અનુસાર ભગવાન અત્તિ વરદરાજાના ગળામાં એક માળા છે, જે તેમના ઇતિહાસ માટે જાણીતી છે. એમના ગળાની એ માળા ક્લાઇવ તરીકે ઓળખાય છે. ઇસ 1700 ની સાલમાં રોબર્ટ ક્લાઇવ મદ્રાસના ગવર્નર હતા, તેમણે અરકોટ રજવાડા જીત્યા પછી સૌથી કિંમતી ખજાના પૈકીનો આ હાર આ મંદિરમાં દાન કર્યો હતો.

જો કે આ બાબતે એવી પણ એક દંતકથા સાંભળવા મળે છે કે, ક્લાઇવ તે સમયે પેટની ગંભીર બીમારી સામે લડતા હતા. અને વરદરાજા મંદિરના પુજારીઓ દ્વારા આપવામાં આવેલા ચરણામૃત અને ભોગ ખાધા પછી તે સાજા થયા હતા. અને ત્યાર પછી તેમણે ભગવાન વરદરાજાને આ માળા પહેરાવી હતી.