5 એવા ડોક્ટરોની સ્ટોરી જે મફતમાં ઈલાજ કરીને સમાજમાં પરિવર્તન લાવી રહ્યા છે.

0
4447

ડોક્ટર હવે ફક્ત બીમારીઓનો ઈલાજ જ નથી કરી રહ્યા પણ લોકોને આત્મનિર્ભર પણ બનાવી રહ્યાં છે. દેશમાં અમુક એવા ડોક્ટર પણ છે જે સમાજને સ્વસ્થ બનાવવાની સાથે પરિવર્તન પણ લાવી રહ્યા છે. આજે વર્લ્ડ ડોક્ટર ડે છે. ભારતના પ્રસિદ્ધ ચિકિત્સક ડો. વિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સમ્માન આપવા માટે દર વર્ષે 1 જુલાઈને ડોક્ટર ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ અવસર પર જાણો દેશના 5 એવા ડોક્ટર વિષે જે ખરેખર ધરતી પર ભગવાનનું રૂપ સાબિત થઇ રહ્યા છે.

1. ડો. યોગી એરન :

દેહરાદૂનના ડો. યોગી એરન એક પ્લાસ્ટિક સર્જન છે અને એમની ઉંમર 80 વર્ષ છે. ડો. યોગીનું આખું જીવન એવા લોકો માટે સમર્પિત રહ્યું જે આગમાં દાઝી ગયા છે અથવા જંગલી જાનવરનો શિકાર બની ચુક્યા છે. એવા લોકોને બચાવવા માટે તે આખા વર્ષમાં 500 થી વધારે સર્જરી મફતમાં કરે છે. આ મિશનમાં એક આસિસ્ટન્ટ પણ છે જે લગભગ 25 વર્ષથી એમની સાથે કામ કરી રહ્યા છે. એમનો દીકરો પણ આ કામમાં એમની મદદ કરે છે. પોતાનું કિલનિક ચલાવવા સિવાય ડો. યોગી અલગ અલગ ગામોમાં જઈને વર્ષમાં ઘણી વાર 15-15 દિવસ કેમ્પ લગાવીને સર્જરી કરે છે. કેમ્પ માટે તે લગભગ 15 ડોક્ટરોની ટીમ અમેરિકાથી પણ બોલાવે છે અને મફતમાં ઈલાજ કરે છે. કેમ્પ માટે તેઓ એવા ગામ પસંદ કરે છે જ્યાં સામાન્ય રીતે કોઈ સુવિધાઓ નથી પહોંચી શકતી. હિમાલયના પછાત ગામોમાં લગભગ 10 હજાર લોકો હજી પણ ઈલાજ માટે વેટીંગ લિસ્ટમાં છે. કેમ્પ દરમ્યાન બીજા ડોક્ટરો સાથે મળીને રોજ 10 સર્જરી કરવામાં આવે છે. એના સિવાય ડો. યોગી સાયન્સ પાર્કનું નિર્માણ પણ કરાવી રહ્યા છે.

2. ડો. અભિજીત સોનવાણે :

ડો. અભિજીત સોનવાણે હંમેશા પુણેમાં રસ્તાના કિનારે બેસેલા ગરીબ લોકોને એમના ખબર અંતર પૂછતાં જોવા મળે છે. 4 વર્ષ પહેલા રાજીનામુ આપીને એમણે સોહમ ટ્રસ્ટની શરૂઆત કરી છે. એમનું લક્ષ્ય એ હતું કે જે લોકો ગરીબ છે એમની મફતમાં સારવાર કરવી. ડો. અભિજીતના જણાવ્યા અનુસાર, એમણે મફત ઈલાજ કરવાની શરૂઆત એવા લોકોથી કરી જે રસ્તાના કિનારે રહે છે અને ભીખ માંગે છે. ”એમની મદદ કરવી મારા માટે કોઈ અભિયાન નથી પણ એક જવાબદારી છે, જે હું નિભાવી રહ્યો છું.” એવું એમનું કહેવું છે. શરૂઆત એવા લોકોના ઈલાજથી થઇ પણ પાછળથી એમને આર્થિક રૂપથી મજબૂત બનાવવા માટે પ્રયત્ન કર્યા. આ પહેલનું નામ રાખ્યું ‘બેગર ટૂ આંત્રપ્રેનિયોર.’ એના અંતર્ગત ભિખારીઓને પૈસા કમાઈને સમ્માન સાથે જીવતા શીખવાડવામાં આવ્યું. ડો. અભિજીતે એમને વાળંદની દુકાન ખોલવા, મંદિરની બહાર ફૂલ વેચવા, દિવા બનાવવા જેવા કામ શરુ કરવામાં મદદ કરી છે. એમની પહેલની પરિણામ એ છે કે, ક્યારેક ભીખ માંગવાવાળા 37 લોકો હવે પૈસા કમાઈ રહ્યા છે.

3. ડો. મનોજ દુરઈરાજ :

ડો. મનોજ દુરઈરાજ કાર્ડિયન સર્જન છે અને પુણેમાં એમનું ક્લિનિક છે. તે મેરિયન કાર્ડિયન સેંટર અને રિસર્ચ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે. અહીં એવા લોકોની મફતમાં સારવાર કરવામાં આવે છે જેમના હૃદયમાં સમસ્યા હોય છે. આની શરૂઆત એમના પિતા ડો. મૈનુઅલ દુરઈરાજે કરી હતી જે કાર્ડિયોલોજિસ્ટ હતા. એમણે 2 દશક સુધી ભારતીય આર્મી અને ત્રણ વર્ષ પહેલા રાષ્ટ્રપતિની સંભાળ રાખી હતી. 1991 માં ડો. મનોજ મેરિયન કાર્ડિયક સેન્ટર અને રિસર્ચ ફાઉંડેશન સાથે જોડાયા અને 2005 માં દિલ્લી એમ્સમાંથી ભણતર પૂરું કર્યા પછી પિતાના વારસાને આગળ વધાર્યો. ડો. મનોજ અત્યાર સુધીમાં 350 કરતા વધારે મફત હાર્ટ સર્જરી કરી ચૂકયા છે. એમાં મોટાભાગના દર્દી બાળક હતા જે જન્મજાત હૃદયની બીમારી સાથે જન્મ્યા હતા. ડો. મનોજનું કહેવું છે કે, મારા પિતા એવા લોકોની મદદ કરતા હતા જેમની પાસે સારવાર કરાવવા માટે પૈસા નથી અને દૂર દૂરના વિસ્તારો માંથી આવે છે. એમની આ વાતે મને પ્રેરિત કર્યો અને હું પણ એજ કરી રહ્યો છું. ડો. મનોજ આસપાસના ક્ષેત્રમાં જઈને એ લોકોની સારવાર કરે છે, જેમની પાસે મહારાષ્ટ્રનું બીપીએલ કાર્ડ નથી. કાર્ડિયક સેન્ટરમાં ફક્ત સર્જરી જ નથી થતી પણ ઓપરેશન પછી મફતમાં દવાઓ અને દેખરેખનું પણ ધ્યાન આપવામાં આવે છે.

4. ડો. મનોજ કુમાર :

બ્રિટનમાં 15 વર્ષ કામ કરી કેરલ પાછા આવેલા મનોરોગ વિશેષજ્ઞ ડો. મનોજ કુમારનું લક્ષ્ય ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા માનસિક રોગોથી પીડિત લોકોની મફત સારવાર કરવાનું છે. કેરલના રહેવાવાળા ડો. મનોજના જણાવ્યા અનુસાર, સરકાર માનસિક રોગીઓ માટે સારી સુવિધા ઉપલબ્ધ નથી કરાવી રહી. એટલા માટે હું મારા રાજ્યના લોકોની મદદ કરી રહ્યો છું. ડો. મનોજે કેરલના કોઝિકોડમાં 2008 માં મેંટલ હેલ્થ એક્શન ટ્રસ્ટની સ્થાપના કરી છે. એમની આ પહેલમાં ઘણા વિશેષજ્ઞ અને સામાન્ય લોકો પણ જોડાયેલા છે. વર્તમાન સમયમાં આ ટ્રસ્ટ સાથે લગભગ 1 હજાર વોલેન્ટિયર જોડાયેલા છે. એમાં હોમમેકર, રિટાયર્ડ પ્રોફેશનલ લોકો અને એવા લોકો પણ શામેલ છે જે બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે. બીમાર થવા પર પરિવારના લોકો આ વોલેન્ટિયરનો જ સંપર્ક કરે છે. વધારે ગંભીર સ્થિતિ ન હોવા પર ટીમમાં રહેલા પ્રશિક્ષિત પ્રોફેશનલ લોકો ઈલાજ કરે છે. કેરલના મલપ્પુરમ, વાયનાડ, કોઝિકોડ, થ્રિસુર, અલેપ્પી સહીત કેરલમાં ટ્રસ્ટના 25 સેન્ટર છે. દરેક કેન્દ્રની સ્થાપના ગામમાં કરવામાં આવી છે. કેન્દ્ર પર પ્રશિક્ષિત સાયકોલોજિસ્ટ અને સાયકિયાટ્રીક સામાજિક કાર્યકર્તા છે, જે દર્દીનું કાઉન્સલીંગ કરવાની સાથે થેરેપી આપે છે. પણ દવાઓ આપવાનું કામ ડો. મનોજ કુમાર કરે છે. દર્દીથી દૂર હોય ત્યારે અથવા ઇમરજન્સીની સ્થિતિમાં ડો. મનોજ કુમાર વોટ્સઅપ, સ્કાઇપ અને ગુગલ હેંગઆઉટની મદદથી વિડીયો કોલિંગ દ્વારા જોડાયેલા રહે છે, અને એમની સ્થિતિ જાણ્યા પછી થેરેપી આપવી કે દવા આપવી એનું માર્ગદર્શન કેન્દ્ર પરના લોકોને આપે છે.

5. ડો. કિરણ માર્ટિન :

ડો. કિરણ માર્ટિન બાળરોગ વિશેષજ્ઞ છે. તે દિલ્લીની 60 સ્લમ કોલોનીઓના 5 લાખ લોકોને સેવાઓ આપી રહી છે. એની શરૂઆત 1988 માં થઇ હતી, જયારે તે પહેલી વાર સાઉથ દિલ્લીના સ્લમ એરિયામાં કોલેરા ફેલાયા પછી લોકોની સારવાર માટે પહોંચી હતી. અહીંના લોકોની મદદ કરવા માટે એમણે ઝાડની નીચે ખુરસી અને ટેબલ રાખીને ક્લિનિક શરુ કર્યું. એમણે આશા નામનું એક સંગઠન બનાવ્યું અને મહિલાઓને ટ્રેનિંગ આપીને એમને કમ્યુનિટી હેલ્થ વર્કર બનાવ્યા. એ મહિલાઓને પ્રશિક્ષિત કર્યા પછી ફર્સ્ટ એડ બોક્સ આપ્યું, જેથી તે બીમારી અને સંક્રમણ રોકવા માટે પ્રાથમિક ઉપચાર કરી શકે. આ ટીમ મહિલાઓને પોષણ, સ્વાસ્થ્ય અને કઈ રીતે બાળકોને બીમારીઓથી દૂર રાખી શકાય એની જાણકારી આપે છે. ગંભીર બીમારીઓના ઇલાજ માટે આશા સંગઠન કાર્યકર્તા લેબ પણ સંભાળી રહ્યું છે. અહીં ઈસીજીમ એક્સ-રે જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. લોકોને સાફ પાણી મળે એટલા માટે ડો. કિરણે ઘણી જગ્યાઓ પર હેન્ડપંપ પણ લગાવ્યા છે. એમણે ગરીબ લોકો માટે ફાઇનાન્સ સ્કીમની શરૂઆત કરી છે. એ અંતર્ગત લોકો ખાતું ખોલાવી શકે છે અને ઉધાર પણ લઇ શકે છે. આ સુવિધા ઝૂંપડીઓમાં રહેવાવાળા બાળકોને શિક્ષિત કરવા અને રોજગાર શરુ કરવામાં મદદ કરી છે.

આ માહિતી સચ કહું અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.