આજથી 5 દિવસ ગુજરાત માટે ભારે, 25 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ થશે, હવામાન વિભાગે કરી આગાહી

0
101

હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા 5 દિવસમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે. કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. વલસાડ અને નવસારી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.

23 જુલાઈના રોજ લો પ્રેશર સિસ્ટમ બનશે, તેના લીધે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેના લીધે આવનારા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, પણ એ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં 10 થી 19 જુલાઈની વચ્ચે 50% જેટલા વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. તો છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અને હાલના સમયમાં વેધરચાર્ટ પરથી જાણવા મળે છે કે, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઇ રહી છે. તે સિસ્ટમથી મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસાને વેગ મળી શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે.

અને હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ પહેલા કરેલી આગાહીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા કરેલી આગાહીમાં 22 અને 23 જુલાઈમાં ગુજરાતના મોટાભાગના વિસ્તાર કોરા બતાવ્યા હતા, પણ હવે કરેલી નવી આગાહીમાં 5 દિવસ દરમિયાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના જણાવવામાં આવી છે. અને 24 જુલાઈ તેમજ 25 જુલાઈની સવાર સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ગયા વર્ષના આંકડા સાથે સરખામણી કરવા પર જાણવા મળે છે કે, ગયા વર્ષે 20 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 11.80 ઈંચ વરસાદ નોંધાયો હતો. પણ આ વર્ષે અત્યાર સુધીમાં 8.14 ઈંચ વરસાદ જ નોંધાયો છે. ગયા વર્ષે 20 જુલાઇ સુધીમાં ગુજરાતના 2 તાલુકામાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ હતો. પણ આ વર્ષે એવો એકપણ તાલુકો નથી.