હની ટ્રેપમાં મહિલા PI ની ધરપકડ, આ રીતે લાખો રૂપિયામાં તોડ પાડવામાં આવતો હતો.

0
144

સામાન્ય રીતે હની ટ્રેપ કેસમાં ઠગ ટોળકી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા ઉઘરાવતી હોય છે. એવામાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા પઠાણની હની ટ્રેપ કેસમાં ધરપકડ થતા સૌ કોઈ ચોંકી ગયા. ગીતા પઠાણની ધરપકડ થતા પાટણ પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. ગીતા પઠાણ લાખો રૂપિયામાં તોડ પડાવતા હોવાની વાત સામે આવી છે.

ગીતા પઠાણની બદલી થતા તે ગઈ 26 જાન્યુઆરીના રોજ પાટણ તાલુકામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવવા આવ્યા હતા. તે પાટણ ખાતે પદમનાથ ચોકડી પાસે એક સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. પણ છેલ્લે તેઓ રજા ઉપર ગયા એ પછી તેમની ધરપકડ થતા અને હની ટ્રેપમાં તેમની સંડોવણી બહાર આવતા સ્ટાફના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, મહિલા પીઆઈ ગીતા પઠાણની હનિ ટ્રેપમાં સંડોસણી બહાર આવતાં ક્રાઈમ બ્રાંચે ગુરૂવારે તેમની ધરપકડ કરી હતી. તે પહેલા ગીતા પઠાણ દવાખાનાનું બહાનુ કાઢીને વાયરલેસ મેસેજ કરીને રજા પર જતા રહ્યા હતાં. તેમની ધરપકડ પછી ઉપરથી ઓર્ડર આવશે ત્યારે પાટણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આ‌વશે એવું જણાવવામાં આવી રહ્યું છે.

પાટણમાં બદલી થતા પહેલા શાહીબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલા ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન મહિલા પીઆઇ ગીતા પઠાણે પોતે હની ટ્રેપ કરાવીને લાખોના તોડ કર્યા હોવાની વાત સામે આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી, અને ત્રણ મહિના પછી ક્રાઇમ બ્રાંચે ગીતા પઠાણની ધરપકડ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પોતાના કરેલા કાંડ વધારે ના ખૂલે તે માટે તેણે ક્રાઇમબ્રાંચની ઓફિસમાં જ સેનિટાઇઝર પી લીધું હતું. આથી તેમને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. નિકોલમાં રહેતા એક આધેડે હની ટ્રેપ કરતી ટોળકી અને મહિલા પોલીસ કર્મી ગીતા પઠાણ વિરુદ્ધ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને અરજી કરી હતી. પછી ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી અને આખી ટોળકી તેમજ તેની મુખ્ય સુત્રધાર ગીતા પઠાણની ધરપકડ કરી લેવામાં આવી.

આધેડે કરેલી અરજી પરથી જાણવા મળે છે કે, હની ટ્રેપ કરતી ટોળકી સોશિયલ મીડિયામાં યુવતીઓના ફોટા મૂકીને આધેડ સાથે મિત્રતા કરતી, પછી તેમનો મોબાઇલ નંબર લઇને વોટ્સઅપ પર ફોટા અને વીડિયો મૂકીને લલચાવતી હતી.

પછી થોડા દિવસમાં આધેડને હોટલ કે ગેસ્ટ હાઉસમાં લઇ જતી અને યુવતી અને આધેડના ગુપ્ત રીતે ફોટા અને વિડીયો મેળવી લેવામાં આવતા. પછી બે જ દિવસમાં આધેડના મોબાઇલ ઉપર ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતો હતો અને તેમને કહેવામાં આવતું કે, તમારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેથી તાત્કાલિક ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવી જાવ.

ગભરાઈ અજીને આધેડ પોલીસ સ્ટેશન જતા હતા પછી અન્ય મહિલા પોલીસકર્મીઓ અને એક પીએસઆઇ લાખો રૂપિયામાં પતાવટ કરવાની વાત કરતા હતા. તે વખતે ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ ગીતા પઠાણ તેમને જેલમાં પૂરી દેવાની વાત કરીને 8 થી 10 લાખમાં તોડ કરાવતા હતા.