ઉપવાસ માટે આ રીતે બનાવો ટેસ્ટી ફરાળી બટાકા વડા, જાણી લો એની સરળ રેસિપી

0
2027

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. મિત્રો જે ઉપવાસ હોય એ દિવસે અનાજ કઠોળ ખાવામાં આવતું નથી. એ દિવસે તો ફળ અથવા અમુક ફરાળી વસ્તુઓ જ ખાવામાં આવે છે. હવે ઉપવાસના દિવસે ઘણા લોકો એક ટાઈમ ફરાળ કરે છે. અને તેઓ પણ દરેક સમયે સાબુદાણાની ખીચડી કે મોરૈયો ખાઈને થોડા કંટાળી જાય છે. તો એવામાં તમે ફરાળમાં નવી વાનગી ટ્રાય કરી શકો છો.

આજે અમે તમારા માટે એક નવી ફરાળી વાનગી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ, અને એ રેસિપી છે ફરાળી બટાકા વડા. આ સરળ રીતથી તમે ફરાળી બટાકા વડા બનાવીને એને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો શીખી લો કેવી રીતે બનાવાય છે ફરાળી બટાકા વડા અને જાતે જ પોતાના ઘરે બનાવો.

ફરાળી બટાકા વડા માટે જરૂરી સામગ્રી :

બાફેલા બટાકા : 3 મોટી સાઇઝના

કાચું છીણેલું બટાકુ : એક કપ

મોરૈયો : અડધો કપ

રાજગરાનો લોટ : અડધો કપ

આદું-લીલા મરચાં અને જીરાની પેસ્ટ : 2 ચમચી

ખાંડ : 1 ચમચી

સમારેલી લીલી કોથમીર : 1 કપ

લીંબુનો રસ : 1 ચમચી

લાલ મરચું પાઉડર : 1 ચમચી,

તેલ : તળવા માટે તમારી જરૂરિયાત અનુસાર

સિંધવ મીઠું સ્વાદ અનુસાર

ફરાળી બટાકા વડા બનાવવાની રીત :

ફરાળી બટાકા વડા બનાવવા માટે સૌથી પહેલા તો બટાકાને બાફવા માટે મૂકી દો. બટાકા બફાય ત્યાં સુધીમાં એક કઢાઈ લઈને એમાં રાજગરાનો લોટ નાખો અને તેને શેકી લો. પછી એ જ રીતે મોરૈયાને પણ શેકી લો. ત્યારબાદ મિક્સરની મદદથી આ બંનેને સારી રીતે ક્રશ કરી લો. બટાકા બફાય જાય એટલે તેને ઠંડા કરી છૂંદી(સ્મેશ કરો) નાખો.

હવે એક બાઉલમાં રાજગરાનો લોટ નાખી તેમાં છૂંદેલા બાફેલા બટાકા નાખો. ત્યારબાદ તેમાં આદું-લીલાં મરચાં અને જીરાની પેસ્ટ, સિંધવ મીઠું, ખાંડ અને લાલ મરચું પાઉડર નાખી બધાને સારી રીતે મિકસ કરી દો. પછી એ મિશ્રણમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર નાખીને ફરી એકવાર મિકસ કરો. જ્યાં સુધી એમાં રહેલી ખાંડ ઓગળે નહિ ત્યાં સુધી એને મિકસ કરતા રહો. ત્યારબાદ એ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવો.

હવે એને તળવાના છે. તો એના માટે એક કઢાઈ લો અને તેમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ ત્યાં સુધીમાં એક બાઉલમાં એક છીણેલું બટાકુ નાંખો અને તેમાં શેકેલો રાજગરાનો લોટ અને મોરૈયો નાંખો, અને ત્યારબાદ તેમાં એક ચમચી સિંધવ મીઠું નાખીને એને મિકસ કરી દો. હવે આ મિશ્રણમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને એમાંથી ખીરું તૈયાર કરો. તમારે એમાં ધીમે ધીમે પાણી નાખવાનું છે. અને ધ્યાન રાખવું કે એ ખીરું વધારે જાડું કે વધારે પાતળું ના થઇ જાય.

ત્યારબાદ ગરમ તેલ એક ચમચો જેટલું લઈને એને ખીરામાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. જણાવી દઈએ કે, ખીરામાં ગરમ તેલ નાખવાથી તમારા બટાકા વડા સોફ્ટ બનશે અને વધારે તેલ પણ નહીં પીવે. ત્યારબાદ તૈયાર કરેલાં ખીરામાં વડા બોળીને તેને ગરમ તેલમાં તળો. તો તૈયાર છે તમારા ટેસ્ટી ફરાળી બટાકા વડા. તમે વડાને દહીં કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. લેખ ગમ્યો હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.