ગોળના આ ત્રીદોષનાશક પ્રયોગો એક વાર અજમાવી જુઓ, કફ, એસીડીટી અને વાયુને તમારી નજીક નહિ આવવા દે

0
3895

આપણા ઘરના રસોડામાં વપરાતી વસ્તુઓ જેવી કે શાકભાજી, ફળ, મસાલા તેમજ અન્ય વસ્તુઓ ઘણી બધી બીમારીઓના ઉપચારમાં અને આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. એ બધામાંથી એક છે ગોળ. આમ તો આપણે ગોળનો ઉપયોગ વાનગીઓમાં ગળપણ લાવવા માટે કરીએ છીએ.

પણ આ ગોળ પિત્તદોષ, વાયુદોષ અને કફના રોગને મટાડવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. અને આજે અમે તમને એના વિષે જાણકારી આપવાના છીએ. આ લેખના માધ્યમથી અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે ગોળના ઉપયોગથી પિત્તદોષ, વાયુદોષ અને કફને કાબુમાં લાવી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગોળનું આદુ સાથે સેવન કરવાથી કફના રોગનો નાશ થાય છે. અને ગોળનું હરડે સાથે સેવન કરવાથી પિત્તદોષનો તથા સુંઠ સાથે સેવન કરવાથી વાયુદોષનો નાશ થાય છે. તો આવે આ ત્રણેય દોષને નષ્ટ કરવાવાળા ગોળનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણી લઈએ.

(1) કફને દૂર કરવા :

તમારા માંથી કોઈને અથવા તમે જેને જાણતા હોવ એમાંથી કોઈ વ્યક્તિને આખો દિવસ કફના ગળફા પડે છે, શરદી થાય છે, નાકમાં જાડો, ચીકણો કફ પડે છે. તો આવી કોઈ ફરિયાદવાળા વ્યક્તિએ સૌથી પહેલા કફવર્ધક આહાર બંધ કરવો જોઈએ. જણાવી દઈએ કે, ત્રણ રસો કફ વર્ધક છે. મધુર રસ, ખાટો રસ અને લવણ(ખારો) રસ. આ સિવાય જે દ્રવ્યોમાં સ્નિગ્ધ ગુણ હોય તે દ્રવ્યો પણ કફવર્ધક હોય છે. તેથી તમારે ઘી, માખણ, મલાઈ અને મગફળીના તેલનો સંપૂર્ણ ત્યાગ કરવાનો રહેશે.

ઉપર જણાવેલી પરેજી પાળવાની સાથે સાથે દવામાં રોજ સવાર સાંજ દશ ગ્રામ જેટલું આદુ સાફ કરીને તેમાં એટલો જ કે થોડો વધારે ગોળ મિક્સ કરીને ખાંડીને જે મિશ્રણ તૈયાર થાય તે ચાવી ચાવીને ખાઈ જવાનું. આવું સાત દિવસ સુધી કરવાથી કફમાં ઘણો ફરક પડે છે. કફ મટી ગયા પછી કાયમ માટે કફવર્ધક આહાર ઓછા પ્રમાણમાં લેવો.

(2) એસિડિટી અને પિત્તનું શમન કરવા :

મિત્રો જેમને એસિડિટીની ઘણી વધારે ફરિયાદ રહેતી હોય એમના માટે પણ ગોળ ઉપયોગી છે. એસિડિટીને કારણે અન્નનળીમાં, હોજરીમાં, મળ મૂત્રમાર્ગમાં, યોનિપ્રદેશમાં બળતરાની ફરિયાદ રહેતી હોય છે. અને જો ખાટા અને તીખા ઘચરકા આવે તો છેક મોં સુધી ખાટો તીખો આહાર રસ ઉચકાઈને આવે છે. આવું પિત્ત દોષના લીધે થાય છે. તો આવા વ્યક્તિએ પહેલા તો પીત્તદોષની વૃદ્ધિ કરનારા રસો એટલે કે તીખો રસ, ખાટો રસ અને ખારો રસ સંપૂર્ણ બંધ કરવા જોઈએ.

તમે ઉપર જણાવેલી પરેજી પાળવાની સાથે સાથે દવાના રૂપમાં બે વખત એક ખાસ પ્રયોગ કરવો. એ પ્રયોગ તરીકે જમવાના એક કલાક પહેલાં 5 ગ્રામ હરડે ચૂર્ણ, 7-5 ગ્રામ ગોળની સાથે ખાંડીને બરાબર મિક્ષ કરીને તેની 2-3 ગોળી બનાવીને પાણી સાથે ગળી જાવ. અને આ રીતે બપોરના અને રાત્રીના ભોજન પહેલા પણ આ પ્રયોગ એક કલાકનું અંતર રાખીને કરો. આ પ્રયોગ એક મહિના સુધી કરતા રહેવાથી એસીડીટીમાં એકદમ રાહત મળે છે. પછી બંધ કરેલા દ્રવ્યો ધીમે ધીમે શરૂ કરી ઓછા પ્રમાણમાં જ લેવા.

(3) વાયુદોષમાં પણ ગોળ ઉપયોગી :

જાણકારી માટે જણાવી દઈએ કે, વાયુને કારણે પેટ ઢમઢોલ થઈ જાય છે, અને જો ગેસ ઉપર ચઢી જાય તો હૃદયપ્રદેશમાં દુ:ખાવો પણ થાય છે. તેમજ આમાં જો વાછૂટ થાય તો થોડી રાહત લાગે છે. જે લોકોને આવી ફરિયાદ હોય એમને વાયુદોષ રહે છે. અને આના માટે જવાબદાર વાયુવર્ધક રસો ત્રણ છે- કડવો, તૂરો અને તીખો. મગફળીનું તેલ શીત હોવાથી વાયુ વધારે ઉત્પન્ન કરે છે. આ સિવાય જે દ્રવ્યો વજનમાં હલકા હોય, ફૂલેલા હોય,તળેલા હોય તે શરીરમાં વાયુ વધારે છે.

આ વાત હંમેશા યાદ રાખવી કે, ગમે ત્યારે પેટમાં કંઈ ને કંઈ નાખવાથી આપણું પાચનતંત્ર બગડે છે, અને તે બગડતા આંતરડા હોજરીમાં વાયુનો ઉપદ્રવ વધી જાય છે. બેઠાડુ જીવન જીવતા લોકોએ રોજ સવારે અને સાંજે ગમે તે રીતે સમય કાઢીને ચાલવાનો નિયમ રાખવો જોઈએ. તેમજ બપોરે અને રાતે ભોજન નિશ્ચિત સમયે જ લેવું જોઈએ.

ભોજનનો વઘાર તલના તેલથી કરવાથી વાયુદોષમાં ફાયદો થાય છે. અને દવાના રૂપમાં સુંઠનું ચૂર્ણ ગોળમાં ખાંડીને તે મિશ્રણની આશરે 10-10 ગ્રામની લાડુડી વાળી રાખવી. રોજ સવારે અને સાંજે ભોજનના એક કલાક પહેલાં આ લાડુડી ચાવીને ખાઈ જવાની. 2 મહિના સુધી આ પ્રયોગ કરવાથી વાયુના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય છે.