સૌની ફેવરીટ મીઠાઈ મોહનથાળ ઘરે બનાવવા માટે જાણો, માવા વગર મોહનથાળ બનાવવાની રીત.

0
3211

રેસિપીઓની દુનિયામાંથી આજે અમે તમારા માટે ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ મોહનથાળની રેસિપી લઈને આવ્યા છીએ. તો એની શરૂઆત કરતા પહેલા જણાવી દઈએ કે, મોહનથાળ માવાનો ઉપયોગ કરીને અને માવાનો ઉપયોગ કર્યા વગર એમ બંને રીતે બનાવી શકાય છે. એમાંથી આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે પરફેક્ટ મોહનથાળ બનાવી શકાય એના વિષે શીખવાના છીએ. આ રીતની મદદથી એકદમ દાણા દાર મોહનથાળ તૈયાર થાય છે. તો ચાલો મોહનથાળ બનાવવાનું શરુ કરીયે.

જરૂરી સામગ્રી :

150 ગ્રામ ચોખ્ખું ઘી,

250 ગ્રામ ચણાનો કકરો લોટ,

2 મોટી ચમચી દૂધ,

1 મોટી ચમચી ઈલાયચી અને જાયફળનો પાઉડર,

180 ગ્રામ સાકર,

1/2 કપ + 1 મોટી ચમચી પાણી,

ફૂડ કલર.

બનાવવાની રીત :

મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા જે ચણાનો લોટ લીધો છે એમાં ધાબુ દેવાનું છે. દૂધમાં થોડું ઘી એડ કરી દેવાનું છે. આ કામ માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરનાં ઘી નો જ ઉપયોગ કરવો. તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે આને 20 સેકેંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરી લઈએ, અથવા ગેસ ઉપર ગરમ કરવું હોય તો પણ કરી શકાય. હવે એને જે આપણે ચણાનો લોટ લીધો છે, એમાં એડ કરીને સરસ રીતે મિક્ષ કરી લેવાનો છે. મિક્ષ કર્યા બાદ જે ઘઉં ચારવાનો ચારણો હોય છે, એ લઈને આ લોટને ચાળી લેવાનો છે. ત્યારબાદ એને સરસ રીતે હાથથી મિક્ષ કરી લો.

ત્યારબાદ એક કઢાઈ લઈને એમાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે એમાં બેસન એડ કરી દેવાનું છે. અને એને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર શેકવાનું છે. બંનેને મિક્ષ કરવાના છે. જયારે તમે શરૂઆતમાં આને મિક્ષ કરશો તો તે એકદમ ડ્રાય લાગશે, પણ એ જેમ જેમ શેકાતો જસે તેમ તેમ તેમાંથી ઘી છુટું પડતું જશે. આને શેકવામાં સેજ પણ ઉતાવળ નથી કરવાની તેને શાંતિથી સેકવાનો છે.

એની સાથે સાથે આપણે ચાસણી પણ તૈયાર કરીશું. ચાસણી તૈયાર કરવા માટે એક વાસણમાં સાકર અને પાણી ગરમ કરવા મૂકી દેવું. એને પણ આપણે સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર જ ગરમ કરીશું. અને વચ્ચે વચ્ચે તે લોટને હલાવતા રહેવાનું છે. અને સાકરને પણ હલાવતા રહેવાનું છે. જયારે સાકર ઓગાળવા લાગે ત્યારે ગેસને મીડીયમ રાખી તેને પણ ચડવા દેવાની છે.

આ લોટને હલાવતા સમયે તમે જોઈ શકશો કે, જેમ જેમ તમે લોટને હલાવશો તેમ તેમ એમાંથી થોડું ઘી છૂટું પાડવા લાગ્યું હશે. એટલે લોટને હલાવતા રહેવાનો છે અને 8 થી 10 મિનિટ પછી તેમાં ઉભરો આવવા લાગશે. પછી તેને સતત હલાવતા રહેવાનું છે અને ચાસણીને પણ હલાવતા રહેવાનું છે.

એક વાત યાદ રહે કે, જયારે આપણે મોહનથાળમાં ચાસણી એડ કરીયે ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ. એટલે અમે તમને બંને પ્રક્રિયા સાથે કરવાની કહીયે છીએ. આપણે આ લોટને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સેકવાનો છે. અને ચાસણી માંથી એક ટીપું એક ડીસમાં લઇ તેને ઠંડુ થવા મૂકી દેવાનું છે અને જયારે તે ઠંડુ થઇ જાય ત્યારે ડીસને ઉભી કરી જોવાનું ટીપું જરા પણ હલવું ના જોઈએ જો હલે તો તેને હજુ ગરમ થવા દો.

પછી જયારે આ રીતે ચાસણી તૈયાર થઇ જાય ત્યારે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરવાનો છે. આ એક વિકલ્પ છે તમે ઇચ્છતા હોવ તો જ એડ કરવો. જો તમારે ના એડ કરવો હોય કે ન મળતો હોય તો ના એડ કરો તો પણ ચાલે. કલરથી માત્ર એનો લુક સારો લાગે છે.

આ તરફ લોટને હલાવતા રહેશું, અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. સાથે એક મોલ્ડ કે થાળીને પણ ઘી થી ગ્રીસ કરી લઈશું. જયારે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યારે ગેસને ધીમે કરી દેવાનો છે, અને જે આપણે ચાસણી તૈયાર કરીને રાખી છે તેને એક વાર હલાવી દેવાની છે અને તેમાં એડ કરી નાખીશું. તેમજ ચાસણી એડ કરતા સમયે પણ લોટને હલાવતા રહેવાનું છે. એમાં બધી ચાસણી એડ કર્યા બાદ તેને સરસ રીતે મિક્ષ કરી લો.

પછી એમાં ઈલાયચી અને જાયફળનો પાઉડર એડ કરીશું, અને તેને એક વાર ફરી હલાવીશું. ત્યારબાદ તેને જે ગ્રીસ કરેલા મોલ્ડ કે થાળી છે એમાં કાઢી લઈશું. તેની ઉપર ચારોળી એડ કરીશું અને સમારેલા બદામ અને પિસ્તા એડ કરવાના છે.

હવે આ મોહનથાળને બરાબર રીતે સેટ થવા માટે રહેવા દેવાનો છે. તેને આખી રાત અથવા તો 7 થી 8 કલાક એમ જ રહેવા દેવાનો છે. તેને 7 થી 8 કલાક બાદ તેને કટ કરી નાખવાનો છે અને એને સર્વિંગ પ્લેટમાં લઇ લેવાનો છે. હવે આપનો મોહનથાળ સર્વિંગ માટે તૈયાર છે. આપણે આને માવા વગર બનાવ્યો છે તો પણ આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગતો હોય છે. તમે વાંચ્યું તે પ્રમાણે આને બનાવવું ખુબજ સરળ છે અને આ ટેસ્ટમાં ખુબજ સારું લાગે છે.

જુઓ વિડીયો :