શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યમાં શાળા-કોલેજ શરૂ કરવા મુદ્દે આપ્યું આવું નિવેદન, વાલીઓની સહમતી અંગે ચોખવટ કરી.

0
337

મિત્રો, કોરોનાને કારણે આખા દેશની શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. અને હવે રાજ્ય સરકારો પોતપોતાની રીતે શાળા-કોલેજો ખોલી રહી છે. એવામાં ગુજરાત રાજ્યમાં દિવાળી પછી 23 નવેમ્બરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો તથા યુનિવર્સિટીઓનું શિક્ષણકાર્ય શરૂ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં થયેલી રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો.

એવામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી જાહેરાત કરતા એવું જણાવ્યું હતું કે, બાળકોને સ્કૂલે મોકલવા માંગતા વાલીઓએ સહમતિ પત્ર ભરીને આપવું પડશે. અને સરકારની આવી જાહેરાત બાદ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. વાલીઓનું એવું કહેવું હતું કે, સહમતિ પત્ર ભરાવીને સરકાર અને સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જેને લઈને હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે ચોખવટ કરી છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતમાં નવું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, SOP પ્રમાણે વાલીની લેખિત મંજૂરી આપવામાં આવશે. અને કોઈએ આ બાબતમાં ગેરસમજ કરવાની જરૂર નથી. બાળકોની સલામતી સંદર્ભે કોઈ પણ બાંધછોડ ચલાવવામાં આવશે નહીં. સરકાર કોઈ પણ જવાબદારીમાંથી છટકવા માંગતી નથી. દેશના અન્ય રાજ્યોમાં પણ શાળા-કોલેજ ખુલી છે.

જણાવી દઈએ કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરી હતી કે, કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં પ્રથમ તબક્કે સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ યરનાં જ કલાસ શરૂ કરી શકાશે. એટલે પહેલા અને બીજા વર્ષના વર્ગો હમણાં શરૂ કરી શકાશે નહીં. ઉપરાંત પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે મેડિકલ અને પેરા મેડિકલ સહિત તમામ ફેકલ્ટીનાં વર્ગો શરૂ થશે. ઇજનેરી શાખામાં પણ ફાઇનલ યરનાં જ વર્ગો હમણા શરૂ થશે. ઓડ-ઇવન નિયમ પ્રમાણે ધોરણ 9 અને 11 તથા ધોરણ 10 અને 12 ના વર્ગો અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ શાળાઓએ ચલાવવાની રહેશે. અને ધોરણ 1 થી 8 ના વર્ગો તથા બધી જ શાખાઓમાં પહેલા અને બીજા વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય સરકાર યોગ્ય સમયે લેશે.

ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડની દરેક સ્કૂલો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની તથા આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં પણ આ જ પ્રકારનાં નિયમો લાગુ પડે છે. તેમજ સંસ્થાઓએ શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ મેળવવાની રહેશે. આ નિર્ણય પછી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો કે સરકાર અને સંસ્થાઓ જવાબદારીમાંથી છટકવા માંગે છે. એવામાં હવે શિક્ષણમંત્રીએ વાલીની લેખિત સંમતિ વિશે ચોખવટ કરી હતી.

ભૂપેન્દ્રસિંહે અનુસાર ગુજરાત એવું પહેલું રાજ્ય નથી જ્યાં સ્કૂલો ખૂલી છે. આ પહેલા આસામ, નાગાલેન્ડ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, બિહાર અને મેઘાલય રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચાલ પ્રદેશમાં ઓક્ટોબરમાં સ્કૂલો ખુલી છે. આંધ્ર પ્રદેશમાં નવેમ્બરમાં સ્કૂલો ખુલી છે. તાલિમનાડુમાં 16 મી તારીખથી સ્કૂલો ખૂલશે. અને મહારાષ્ટ્રમાં ગુજરાત સાથે એટલે કે 23 નવેમ્બરથી સ્કૂલો ખૂલશે. જ્યાં પણ સ્કૂલો ખુલી છે ત્યાં અભ્યાસક્રમ ચાલુ છે. ક્યાંક સ્કૂલો બંધ કરવામાં આવી નથી.