દૂધીનો ક્રિસ્પી ઢોસો અને નારિયળની સુપર ટેસ્ટી ચટણી બનાવો ઘરે, જાણો સરળ રેસિપી

0
150

દૂધીના ટેસ્ટી અને ક્રિસ્પી ઢોસાની સાથે બનાવો નારિયેળની આ ટેસ્ટી ચટણી. આજે અમે તમારા માટે રેસિપી ઓફ ધ ડેમાં લાવ્યા છીએ દૂધી ખાવાની એક ઘણી જ મજેદાર અને સ્વાદિષ્ટ રીત, દૂધીના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ઢોસા. આ વાંચીને તમને થયું હશે કે, ખબર નહીં અમે તમને શું કહી રહ્યા છીએ? દૂધીથી કોણ ઢોસા બનાવતું હશે? તો તમને જણાવી દઈએ કે દૂધીના આ ઢોસા એટલા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે કે તમે તેને વારંવાર બનાવવા માંગશો.

જી હા, જો તમારા ઘરમાં કોઈને દૂધી ખાવી પસંદ નથી, તો પછી એકવાર તમે તેમને આ ઢોસા ખવડાવી જુઓ. તેમને આ ઢોસા ખૂબ ગમશે અને તેમને ખબર પણ નહીં પડે કે તેમણે દૂધી ખાઘી છે. ચાલો જાણીએ તેની સરળ રેસીપી વિશે.

દૂધીના ક્રિસ્પી ઢોસા અને નારિયેળની ચટણી ઘરે જ બનાવો :

ટોટલ ટાઈમ : 15 min

તૈયારી માટે ટાઈમ : 10 min

બનાવવા માટે ટાઈમ : 5 min

સર્વિગ : 4

રસોઈનું સ્તર : મીડીયમ

કોર્સ : નાસ્તો.

કેલરી : 55

પ્રકાર : ભારતીય.

લેખક : પૂજા સિંહ.

જરૂરી સામગ્રી :

દૂધી – 600 ગ્રામ,

આદુ – 1/2 ઇંચ,

લીલા મરચા – 1-2

જીરું – 1 નાની ચમચી,

ચોખા – 2 કપ,

અડદની દાળ – 1/2 કપ,

મીઠુ – 1 ચમચી,

નારિયેળ – 1,

દહીં – 1 મોટી ચમચી,

કોઠમીર – જરૂરિયાત મુજબ,

લસણની કળી – 6-7.

બનાવવાની રીત :

ઢોસા બનાવવા માટે સૌથી પહેલા રાત્રે ચોખા અને અડદની દાળ પાણીમાં પલાળી રાખો. જો તમે તેને આખી રાત રાખવા નથી માંગતા તો 5 કલાક માટે તો જરૂર પલાળી રાખો. ત્યારબાદ દૂધીને ધોઈ લો અને તેની છાલ ઉતારી દો. પછી તેના નાના-નાના ટુકડા કરી લો. આ ટુકડાઓ મિક્સર જારમાં નાંખો અને તેમાં આદુ પણ ઉમેરો. સાથે તેમાં લીલા મરચા અને જીરું પણ નાખો.

હવે તેને પીસીને ઘટ્ટ અને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આમ તો તેની પેસ્ટ બનાવવા માટે પાણીની જરૂર નથી પડતી, પરંતુ જો તમે તેને સારી રીતે પીસી નથી શકતા, તો તમે તેમાં ખૂબ ઓછું પાણી ઉમેરી શકો છો. પેસ્ટ બનાવ્યા પછી તેને મોટા બાઉલમાં કાઢો અને સાઈડમાં મૂકી દો. ત્યારબાદ આખી રાત પલાળેલા ચોખા અને અડદની દાળમાંથી પાણી કાઢી લો અને તેની ઘટ્ટ અને સ્મૂધ પેસ્ટ બનાવો.

હવે દૂધીની પેસ્ટ તેમજ દાળ અને ચોખાની પેસ્ટમાં મીઠું નાખીને તેને સારી રીતે મિક્ષ કરી લો. પછી તેને 15 મિનિટ માટે એમ જ રહેવા દો. નાળિયેરની ચટણી બનાવવા માટે પહેલા તેના નાના નાના ટુકડા કરી મિક્ષર જારમાં નાંખો, સાથે જ તેમાં મીઠું, લસણની કળીઓ, લીલા મરચા અને ધાણા પાવડર પણ નાખો. સાથે જ તેમાં થોડુ દહીં નાખો અને તેને સારી રીતે પીસી લો. તમે તમારા સ્વાદ પ્રમાણે લીલા મરચા અને મીઠું ઉમેરી શકો છો. તમારી ચટણી તૈયાર છે, તમે તેને સાઈડ પર મૂકી દો.

બીજી તરફ ઢોસા બનાવવા માટે લોખંડના તવાને સારી રીતે ગરમ કરો અને પછી તેને પાણી અને તેલના મિશ્રણથી સારી રીતે સાફ કરો. આમ કરવાથી તવા પર તેલનું એક સ્તર બની જશે અને તે નોન સ્ટીકની જેમ કાર્ય કરશે. તેથી ઢોસા તવા પર ચોંટશે નહિ. સાથે જ તવાનું તાપમાન પણ ઓછું રહેશે.

હવે એક ચમચીમાં તૈયાર કરેલું ખીરું ભરો અને તેને તવા પર પાથરીને તેનું પાતળું પડ બનાવો, અને હાઈ ફ્લેમ પર રાંધો. પછી તેને ગેસ પરથી ઉતારી લો. તમારો દૂધીનો ઢોસો તૈયાર છે. તમે તેને નાળિયેરની ચટણીથી સાથે ખાઈ શકો છો. આના જેવી વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.