કાચા પપૈયામાંથી સંભારા સિવાય આ વસ્તુઓ પણ બનાવી શકાય છે.

0
315

પપૈયાની સીઝનમાં લોકો તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, તે ખાવામાં મજેદાર હોવાની સાથે સાથે ગુણકારી પણ હોય છે. ઘણીવાર લોકો વધારે માત્રામાં કાચા પપૈયા ખરીદે છે, અને જેમ જેમ પાકે તેમ તેમ તેનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, કાચા પપૈયામાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અને આજે અમે તમારા માટે તેની યાદી લઈને આવ્યા છીએ.

કાચા પપૈયામાંથી સંભારો બનાવવા સિવાય તૂટીફૂટી, ગાંઠિયા સાથે ખાવા ખમણ બનાવી શકાય છે. તેમજ પપૈયાનું આ મીઠું ખમણ દાળ પકવાનમાં પણ સારું લાગે છે.

તેનું ગ્રેવીવાળું શાક સ્વાદિષ્ટ બને છે, તેમજ તેનું ચણાના લોટવાળું શાક પણ સારું બને છે. તેના પરાઠા અને હલવો પણ બને છે. તેમાંથી અલગ અલગ સીઝનિંગ સલાડ પણ બને છે.

કાચા પપૈયા અને મરચાનું ચણાનો લોટ નાખેલું શાક, અડદ અને લસણના વઘારવાળી દાળ, સાથે મેથી-બાજરાના લોટમાં કાળા મરીવાળા થેપલા ખુબ સરસ લાગે છે.

ભેળની અંદર કાચુ પપૈયુ ખમણીને નાખવાથી બહુ સરસ લાગે છે. કાચા પપૈયાના સ્ટફ પરાઠા, મુઠીયા, પૂડલા, રાયતું, થાઈ પપૈયા સલાડ, ખારીયુ પણ બને છે.

કાચા પપૈયાને ખમણીને બે ચમચી ઘી માં સાંતળી દુધ નાખો, દુધ શોષાઈ જાય પછી ખાંડ અને કાજુ બદામ નાખી બરફી બનાવો.

તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને મગની દાળની ખસ્તા કચોરી જેવી પપૈયાની કચોરી ઘણી જ જોરદાર બને છે.

પપૈયાને છીણી લેવું, તેમજ બટાકાને બાફીને માવો કરવો. તે બંનેને મિક્સ કરીને વઘારનું તેલ મૂકવું. તેમાં રાઈ અને અડદની દાળનો વઘાર કરવો. તમને જે ભાવે તે મસાલો નાખીને ગોળ વાળીને બટાકાના વડાની જેમ ચણાના લોટનું ખીરું બનાવીને પપૈયા વડા બને. અને ખીરું ના બનાવવું હોય તો, ઘઉંના લોટમાં મોણ અને મીઠું નાખીને પુરણ ભરીને સમોસા બને. બીજા કોઈ પણ શાક એડ કરી શકાય.

તેમાંથી જેલી/જામ પણ બનાવી શકાય. પપૈયામાં અથાણાંનો સંભાર નાખીને અથાણું પણ બનાવાય.

પપૈયાનો કાચો સંભારો કરી તેમાં ગોળ અને મસાલો નાખી, પપૈયાના ટુકડા અને તીખા અથાણાંનો સંભારો અને તેલ નાખીને તાજું અથાણું બનાવીને તાજું જ ખાવું, તે બહુ જ સરસ બને છે.

તેનું બીજી રીતનું અથાણું બનાવવા માટે તેને સુધારી, કલાક માટે થોડા મીઠામાં રાખી, અથાણાના સંભારમાં ભેળવી દેવું. પછી શીંગ તેલ ગરમ કરી, તે ઠંડુ થાય પછી તેમાં નાખવું. તે પણ સ્વાદિષ્ટ લાગશે.