પરિસ્થિતિ મુજબ સેકન્ડમાં જ વ્યક્તિનો અભિપ્રાય બદલાય જાય છે, આ વાત એક કિસ્સા દ્વારા સમજો.

0
212

આજનો આ આર્ટિકલ આપણે સામેવાળા વ્યક્તિ વિષે અભિપ્રાય બાંધીએ છીએ તેના પર આધારિત છે. અને અનુભવ એવું કહે છે કે, પરિસ્થિતિ મુજબ સેકન્ડમાં જ વ્યક્તિનો અભિપ્રાય બદલાય જાય છે. એટલા માટે જયારે પણ તમે કોઈના માટે અભિપ્રાય બાંધો ત્યારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂર છે. નીચે રહેલા એક કિસ્સા દ્વારા તમે આ વાત સારી રીતે સમજી શકશો.

ઉનાળાનો દિવસ છે અને તમે ચાલતા ચાલતા ક્યાંક જઈ રહ્યા છો, તમારી પાસે કોઈ વાહન નથી અને ટ્રાન્સપોર્ટનું પણ કોઈ સાધન મળી રહ્યું નથી. ચાલી ચાલીને તમે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છો. તમને ખુબ તરસ લાગી છે, પણ ક્યાંય પાણી મળે તેમ નથી. એવામાં તમે એક ઘટાદાર ઝાડ નીચે થાક ખાવાં ઊભાં રહો છો.

થોડીવારમાં સામે રહેલા એક મકાનનાં ઉપરના માળની બારી ખુલે છે, અને તમારી અને તે મકાનમાં રહેલા વ્યક્તિની આંખો મળે છે. તે તમારી હાલત જોઇને સમજી જાય છે કે, તમે ખૂબ થાકેલા છો. તે વ્યક્તિ તમને હાથથી પાણી જોઇએ છે તેવો ઇશારો કરે છે. હવે મનમાં વિચારો કે તમને એ વ્યક્તિ કેવો લાગ્યો? તમે તે વ્યક્તિ વિષે જે વિચાર્યું તે તમારો પહેલો અભિપ્રાય છે.

પેલા વ્યક્તિએ નીચે આવવાનો ઇશારો કરીને બારી તો બંધ કરી પણ 10 મિનિટ થવાં છતાંયે મકાનમાંથી કોઈ બહાર આવ્યું નહિ. હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો છે? તમારે જણાવવાની જરૂર નથી અમે સમજી ગયા છીએ કે તમારો બીજો અભિપ્રાય શું છે.

હવે થોડીવાર પછી દરવાજો ખુલે છે અને તે વ્યક્તિ તમારી પાસે આવીને એક લોટો આપતા એમ કહે છે કે – ‘મોડું કરવા માટે મને માફ કરજો સાહેબ, તમારી હાલત જોઇને મને તમારા માટે પાણી કરતાં લીંબુનું શરબત બનાવી લાવવાનું વધારે યોગ્ય લાગ્યું, એટલા માટે થોડી વાર લાગી.’ હવે તમે વિચારો તમે તે વ્યક્તિ વિષે કેવો અભિપ્રાય બાંધ્યો?

તમે તેમનો આભાર માનતા શરબત જીભને લગાવો છો, અને તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ નાખી જ નથી. હવે તે વ્યક્તિ તમને કેવો લાગ્યો અને તેના વિષે તમે કેવો અભિપ્રાય બાંધ્યો?

પણ તમારો ખટાશથી ભરેલો ચહેરો જોઈને તે વ્યક્તિએ ધીમેથી ખાંડનું પાઉચ ધરતા કહ્યું, તમને ફાવે એટલી ખાંડ ઉમેરી દો. તો હવે તે જ વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય કેવો બંધાશે?

હવે તમે અમારી વાતનો મર્મ સમજી ગયા હશો કે, આપણો અભિપ્રાય સાવ ખોખલો અને સતત બદલાતો રહે છે, તો શું આપણે કોઇના વિશે અભિપ્રાય આપવાને લાયક છીએ? આ દુનિયામાં જો સામેવાળી વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ વર્તન કરે તો જ તે સારી, નહીં તો તે ખરાબ. બરાબરને. એટલા માટે થોડો સમય કાઢીને આ બાબત વિષે વિચાર જરૂર કરજો, તેનાથી તમારી ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જશે અને ઘણા સંબંધો સુધરી જશે.