એકવાર દિલ્હીના પ્રખ્યાત બ્રેડ પકોડા ખાશો, તો આંગળા ચાટતા રહી જશો. જાણો એને કેવી રીતે બનવવા

0
1054

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે દિલ્લીના પ્રખ્યાત બ્રેડ પકોડા બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જે ખુબ સ્વાદિષ્ટ હોય છે. તમે પણ આ રેસીપી દ્વારા એને ઘરે જ બનાવીને ખાઈ શકો છો. તો આવો શરુ કરીએ બ્રેડ પકોડા બનાવવાની રેસીપી.

બ્રેડ પકોડા બનાવતા પહેલા આપણે તેને સર્વ કરવા માટેની તીખી અને મજાની ચટણી બનાવી લઈશું. કારણ કે એમાં વધારે સમય નહિ ખર્ચાય. તો ચટણી બનાવવા માટે લગભગ એક કપ કાપેલી કોથમીર જોઇશે. (તમારે જેટલી ચટણી બનાવવી હોય તે મુજબ લઇ શકો છો) એ સિવાય એક લીંબુ, એક કળી લસણ, બે લીલા મરચા, સ્વાદ અનુસાર મીઠું, અને થોડું પાણી. હવે ચટણી કેવી રીતે બનાવવી એ જણાવી દઈએ.

સૌથી પહેલા કોથમીર લઈને તેને હાથથી તોડીને મિક્ષરના જારમાં નાખીશું. અને તમને પસંદ હોય તો કોથમીર સાથે ફુદીનો પણ નાખી શકો છો. તમે એક કપ કોથમીરમાં પા કપ ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. હવે તેમાં લસણ અને લીલા મરચા નાખીશું, અને તેમાં થોડું મીઠું નાખી અને લીંબુનો રસ નાખીશું. તમે ઈચ્છો તો તેમાં કાળા મરી પણ નાખી શકો છો.

ત્યારબાદ તેમાં એક ચમચી પાણી નાખી દઈશું, જેથી તે સરળતાથી પીસાઈ શકે. હવે આવો તેને મિક્ષર પીસી લઈએ. એટલે તમારી ચટણી તૈયાર છે. તમે તેને પકોડા, ઢોંસા કે કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો.

હવે જણાવીએ કે બ્રેડ પકોડા કઈ રીતે બનાવવા. મિત્રો એના માટે દોઢ બાફેલા બટેટા (નાના બટેટા હોય તો બે થી ત્રણ બટેટાનો ઉપયોગ કરી શકો છો) જોઇશે. આ બટેટાને તમારે છીણી લેવાના છે. હવે તેની સાથે લઈશું એક કપ બેસન(ચણાનો લોટ), છ બ્રેડ સ્લાઈસ, તમે બ્રાઉન બ્રેડ અથવા સફેદ બ્રેસ બંને માંથી કોઈ પણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો.

એ બધા ઉપરાંત પા ચમચી ખાવાનો સોડા, અડધી ચમચી લાલ મરચાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી અજમો, અને મીઠું, અને તેલનો વઘાર. વઘાર કરવા માટે તમે જરૂર બટેટાના મસાલામાં નાખશો એક ચમચી આમચૂર પાવડર, એક ચમચી લીલા મરચા, એક ચમચી લીલી કોથમીર અને ચારથી પાંચ પાંદડા કાપેલો મીઠો લીમડો, ટોમેટો કેચપ અને તળવા માટે જરૂરીયાત મુજબ તેલ.

બ્રેડ પકોડા માટે સૌથી પહેલા આપણે એમાં અંદર રહેતું બટેટાનું મિશ્રણ બનાવીશું. મિત્રો બ્રેડ પકોડા તમે સાદા પણ બનાવી શકો છો. અને તેમાં તમે વટાણા અને પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ બટેટાના સાદા પકોડા સૌથી ફેમસ છે.

એક વાતનું ધ્યાન રહે કે તમે તેને એકદમ માવા જેવું ન કરશો. તેને હાથથી જ નાના નાના ટુકડામાં બનાવો, કારણ કે તે ખાવામાં ઘણા સરસ લાગે છે. હવે તેમાં જરૂરી કોથમીર અને મીઠો લીમડો, આમચુર્ણ ખાટો પાવડર, સારા કાપેલા લીલા મરચા, અને થોડું મીઠું નાખો. મીઠું ઓછું નાખો કેમ કે મીઠું બટરમાં પણ નાખીશું.

ત્યારબાદ તેમાં તેલમાં વઘારેલું જીરું નાખવાનું છે. તેને તમારે હાથથી સારી રીતે ભેળવવાનું છે. અહિયાં તેલનો તડકો લાગવાથી બટેટા થોડા સોફ્ટ થઇ જાય છે, અને સરસ સુગંધ આવે છે. તેનો ટેસ્ટ પણ બજાર જેવા બ્રેડ પકોડા જેવો જ આવે છે. હવે તમારો બટેટાનો માવો તૈયાર છે. આપણે તેને અલગ રાખીશું.

હવે પકોડા માટે ખીરું બનાવીએ. તો તેના માટે એક બાઉલમાં એક કપ બેસન લેવાનું છે. ત્યારબાદ તેમાં અજમો નાખીશું. મિત્રો અજમાને સારી રીતે હાથથી મસળીને નાખીશું, તેથી તેનો સ્વાદ ખુબ જ વધી જશે. ત્યારબાદ તેમાં લાલ મરચા પાવડર, હળદર પાવડર, સોડા, અને થોડું મીઠું નાખીને તેને સારી રીતે મિક્ષ કરો. હવે તેમાં પાણી નાખીશું.

મિત્રો ધ્યાન રહે કે પાણી થોડું થોડું કરીને નાખવાનું છે. આપણે સ્મૂધ ખીરું બનાવીશું. તમે તેને ચમચીથી દબાવીને ઓગાળો, જેથી તેમાં ગાઠાં ન પડે. પછી એને ચમચીથી સારી રીતે હલાવો. જેથી બેસન એકદમ સ્મૂધ બની જાય, અને પકોડા ખુબ જ સારા બનશે. તો હવે બેસનનું ખીરું તૈયાર છે.

તો આવો હવે પકોડા કેવી રીતે તૈયાર કરવાં એ જણાવી દઈએ. તેના માટે આપણે એક બ્રેડનો પીસી લઈશું, અને તેની ઉપર થોડો કેચપ નાખીશું, અને તેને બ્રેડ ઉપર ફેલાવી લઈશું, તમે ધારો તો તેને પ્લેન પણ બનાવી શકો છો, કે તેમાં લીલી ચટણી જે આપણે શરૂઆતમાં બનાવી હતી, તે પણ લગાવી શકો છો. નહિ તો એક પીસ ઉપર કેચપ અને એક પીસ ઉપર ચટણી પણ લગાવી શો છો. જેવી તમારી પસંદ એવું તમે કરી શકો છો. હવે તેની ઉપર બટેટાનો મસાલો નાખીશું, અને બ્રેડ ઉપર સારી રીતે ફેલાવીશું.

તેને ચમચીની મદદથી સારી રીતે દબાવી દો. જેથી બ્રેડ ઉપર બટેટા સારી રીતે ચોંટી જાય, હવે તેને બીજી બ્રેડ સ્લાઈસની મદદથી કવર કરી દઈશું. તમારે એને હળવેથી દબાવવાની છે. અને તેને ત્રાંસી કાપી લો. આપણે તેને ફરી સારી રીતે દબાવી દઈશું, જેથી મસાલો અને બ્રેડ એક બીજા સાથે સારી રીતે ચોટી જાય.

ત્યારબાદ આ તૈયાર બ્રેડને આપણે પહેલા જે બેસન બનાવ્યું છે એમાં નાખીશું અને તેની ચારે તરફ બેસન લગાવીશું. પછી એને તળવા માટે તેલમાં નાખીશું. તમારે તેલને મધ્યમ તાપે ગરમ કરવાનું છે. પકોડા નાખ્યા પછી તેની ઉપર ચમચીથી થોડું થોડું તેલ નાખવાનું છે, જેથી તે ઉપરથી પણ થોડું શેકાઈ જાય અને ફેરવવાથી કડાઈમાં ચોટી ન જાય. થોડા શેકાઈ જાય એટલે તેને ફેરવી દઈ બીજી બાજુથી પણ શેકાવા દેવાના છે.

આપણે ખીરું બનાવવા માટે સોડાનો ઉપયોગ કર્યો હતો, એટલે પકોડા સરસ રીતે ફૂલશે. તમારે તેને બન્ને તરફથી ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી જ તળવાના છે. તેને થોડી વાર કડાઈની સાઈડમાં જ ચમચા પર રાખવા જેથી તેમનું વધારાનું તેલ નીકળી જાય. તમે આ ગરમા ગરમ પકોડાને લીલી ચટણી સાથે સર્વ કરો. જો તમે ધારો તો વચ્ચેથી કાપી લો અને સર્વ કરો.