દારૂબંધી પછી ઘરમાં શાકભાજી-દૂધ માટે વધ્યાં રૂપિયા, બાળકો ટ્યૂશન જવા લાગ્યાં છે

0
814

ગુજરાતમાં તો ઘણા વર્ષોથી દારૂબંધી છે. જેના કારણે ગુજરાત ની પ્રગતિ થતી આવી છે. પણ ઘણા પીધેલાઓને આ ખૂંચે છે ને ગુજરાતને બદનામ કરવા બોલતા રહે છે કે, બધે મળે છે ફલાણું ઢીમકાણુ… એ મંદબુદ્ધિના લોકોને બિહારમાં દારૂબંદીથી કેટલો બધો ફાયદો થવા માંડ્યો છે તે વાંચવું જોઈએ.

3 વર્ષ પહેલા બિહારમાં દારૂબંધી અમલમાં મુકવામાં આવી હતી. અને આજના આ લેખમાં અમે તમને એ નિર્ણય ના પરિણામ શું આવ્યા એ જણાવીશું. મિત્રો 4 એપ્રિલ 2016 ના રોજ બિહારમાં ત્યાંની રાજ્ય સરકારે દારૂ બંધીની જાહેરાત કરી હતી. અને હવે એને 3 વર્ષ પુરા થઇ ગયા છે. અને એનું પરિણામ સકારાત્મક આવ્યું છે.

ત્યાંથી મળેલી જાણકારી અનુસાર, બિહાર પોલીસમાં ફરજ બજાવતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેમણે છેલ્લા મહિનામાં દારૂબંધીથી થયેલી અસર વિષે જાણવા માટે લગભગ 160 બેઠકો કરી છે. અને આ બેઠકોમાં દરેક વખતે લગભગ 5000 ની આસપાસ લોકો આવ્યા છે. અને એમાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી છે. મહિલાઓ આ નિર્ણયથી ઘણી ખુશ જોવા મળે છે.

તેમજ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન, એસ.આનંદ જે બિહારના જેન્ડર રિસોર્સ સેન્ટરના સિનિયર કન્સલ્ટનન્ટ છે એમણે જણાવ્યું કે, અમારા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એ સાબિત થયું છે કે, બિહારમાં દારૂબંધી થયા પછી અહીંની મહિલાઓની ખાણી-પીણી, પારિવારિક બાબતોમાં તેમના નિર્ણય લેવાની હેસિયત અને બાળકોનો અભ્યાસ વગેરેમાં ઘણો સુધારો થયો છે. અને સૌથી મોટી અને ખાસ વાત તો એ છે કે, દારૂબંધી અમલમાં આવ્યા પછી અહીં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં મોટો ઘટાડો નોંધાયો છે.

દારૂબંધી પછી જેનું જીવન બદલાય ગયું હોય એવા અમુક લોકોના ઉદાહરણ જોતા જઈએ.

1. દારૂ વેચતી સુનિતા હવે પાનકાર્ડ બનાવે છે :

પહેલો કિસ્સો છે નવાદા જિલ્લાની વતની સુનીતાનો. એના જણાવ્યા અનુસાર દારૂબંધી લાગુ થયાના એક દિવસ પહેલાં જ તે જેલમાં જતી રહી હતી. અને 12 દિવસ પછી જયારે તે જામીન પર બહાર આવી, તો ત્યારે એણે સૌથી પહેલા તો દારૂના ધંધા સાથેનો છેડો ફાડી લીધો. અને એણે પોતાની એક દુકાન શરૂ કરી છે, જ્યાં પાનકાર્ડથી લઇને આધારકાર્ડ બનાવવાની તમામ સુવિધા છે.

તે પોતાની દુકાનમાં પુસ્તકો અને કોપીઓ પણ રાખે છે. એનો ધંધો સારો ચાલવા લાગ્યો અને હવે તો તેમના પોતાના બાળક સ્કૂલે જતા થઇ ગયા છે. એમના પતિએ પણ નોકરી શરૂ કરી દીધી છે.

2. દારૂને લીધે માં અને દીકરાને જવું પડ્યું જેલ, પણ હવે ચા ની દુકાને જામે છે ભીડ :

બીજો કિસ્સો પણ નવાદા જિલ્લાનો છે. અહીં તન્નુ નામનો નારદીગંજનો વતની દારૂ વેચવાનું કામ કરતો હતો. અને તે પોતાના વિસ્તારમાં એટલો પ્રસિદ્ધ હતો કે, લોકો દારૂની શોધમાં તેના ઘરે પહોંચી જતા હતા. તે દારૂ વેચતો હતો એ સમયે ઘણી વાર જેલમાં જઈ ચૂક્યો છે. પણ દારૂબંધી પછી તન્નુની સાથે એની માં અને બે દીકરાએ પણ જેલમાં જવું પડ્યું.

આ બનાવ પછી તન્નુમાં પરિવર્તન આવ્યું. અને જેલ માંથી બહાર આવતા જ એમણે એ ધંધો છોડી દીધો. અને ચા ની દુકાન શરૂ કરી દીધી. તન્નુની માં શાંતિદેવી કહે છે કે, આ ધંધો છોડ્યા પછી અમે પોતાની ચા ની દુકાન ચલાવીએ છીએ. જેમાં દીકરો ઘણી મદદ કરે છે. એટલે આખો પરિવાર પણ ખુશ છે. હવે ચાની દુકાન સવારના 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહે છે, અને લોકો અમારી ચા પીવા માટે દુકાન ખૂલવાની રાહ જોતા રહે છે.

3. દારૂ વેચવાનું છોડી દૂધનો વેપાર શરુ કરી દીધો :

ત્રીજો કિસ્સો કોઈ એક વ્યક્તિનો નહિ પણ ઘણા બધા લોકોના સમૂહનો છે. પૂર્ણિયાની લાઈન વસતીના થોડા લોકો પહેલા દારૂ વેચતા હતા. અને ત્યાં કિશનગંજ, કટિહાર અને અરરિયાના લોકો દારૂ પીવા આવતા હતા. અને એ લોકોની કમાણી દારૂ પર જ હતી. પણ દારૂબંધી પછી ગામની મહિલા લલિતાદેવી અને સમાજસેવી મણિકુમારે ગૌપાલન યોજના વિષે માહિતી મળતા એમણે ગૌપાલનની યોજના શરૂ કરી.

અને બિહાર સરકારે પણ આ ટોળાંના 11 લોકોને દારૂ છોડી મુખ્યધારાથી જોડાવાની કવાયત હેઠળ ગાય આપી. અને લોકોને નવી ઊર્જા આપી અને તેમણે દારૂને બદલે દૂધનો ધંધો શરૂ કરી દીધો. અને ધીમે ધીમે લલિતાદેવી તથા મણિકુમારેએ બીજા 50 થી વધુ લોકોને ગાય અપાવી. તેમજ ગામને દૂધ સમિતિની પણ મંજૂરી મળી ગઈ. અને પછી સરકાર દ્વારા વધુ 118 લોકોને ગાય આપવામાં આવી. હવે અહીં દૂધનો મોટો વ્યવસાય થઈ રહ્યો છે.

અને બિહારમાં દારૂબંધી પછી તો આવા સેંકડો લોકોનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. અને તેની સૌથી વધુ અસર મહિલાઓના જીવન પર જોવા મળી છે.

એક સર્વે અનુસાર દારૂબંધી પછી,

અડધાથી વધુ મહિલાઓ હવે શાકભાજી રાંધવા-ખાવા લાગી છે.

58% મહિલાઓએ એવું માન્યું છે કે, દારૂબંધી પછી ઘરમાં લેવાતા નિર્ણયમાં તેમનો પ્રભાવ વધ્યો છે.

23% મહિલાઓએ એવું કહ્યું છે કે, હવે તેમનો પ્રભાવ ઘર ઉપરાંત ગામના મુદ્દાઓ સુધી પહોંચ્યો છે.

57% મહિલાઓએ એવું સ્વીકાર્યુ છે કે, હવે તે પહેલા કરતા વધારે શાકભાજી રાંધવા લાગી છે.

29% મહિલાઓનું એવું કહ્યું છે કે, તે હવે પહેલાં કરતાં વધુ દૂધનું સેવન કરવા આર્થિક રીતે સમર્થ બન્યા છે.

19% લોકોએ એ વાત સ્વીકારી છે કે, તેમનાં બાળકો હવે ખાનગી ટ્યૂશન જવા લાગ્યાં છે.

તો બિહારમાં દારૂબંધીની આટલી બધી સકારાત્મક અસર જોવા મળી છે. જો આજ વસ્તુ આખા દેશમાં લાગુ પડે તો આપણો દેશ ક્યાંયનો ક્યાંય પહોંચી જાય. પણ પીધેલાઓને પરિવારની કોઈ ચિંતા નથી હોતી તેમને બસ પીવા જોઈએ છે.