આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

0
361

આજે અમે તમારા માટે દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’ ની રેસિપી અને થોડી વિશેષ જાણકારી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, દાહોદ જિલ્લો ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલો છે. અને અહીં પુષ્કળ પ્રમાણમાં ચણા, મકાઈ અને અડદનો પાક થાય છે. આ કારણે અહીં આ ત્રણ વસ્તુઓમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. આખાં ગુજરાતમાં દાહોદની મિલોની ચણાની દાળ અને બેસનની ખૂબ માંગ છે. દાહોદ શહેરમાં આવેલી ભગીની સમાજ સંસ્થા દ્વારા તૈયાર થયેલા તમામ પ્રકારના મસાલાઓ અને અથાણાંની પણ ખૂબ માંગ છે.

હમણાં હમણાં દાહોદમાંથી મરચું પાવડર અમેરિકામાં પણ મંગાવવામાં આવે છે. અહીં તૈયાર થતું મરચું બીજાં દેશોની સરખામણીમાં શુદ્ધ અને સ્વચ્છ હોવાનું માલુમ પડતાં એની માંગ વધી રહી છે. મરચાંની ગુણવત્તા અને ઇમાનદારીથી ડીટા દૂર કરીને અને સ્થાનિક લોકો દ્વારા ખાંડણીમા ખાંડીને તેને તૈયાર કરવામાં આવે છે, જેથી એની ગુણવત્તા અને ગંધ, સ્વાદ જળવાઈ રહે છે. જેથી કોઇપણ લેબોરેટરીમાં એ શ્રેષ્ઠ સાબિત થાય. એટલે આજે દાહોદ વિદેશોમાં પણ નામના મેળવવા લાગ્યું છે.

આપણે દાળ, પાનિયા અને ચટણી બનાવવાની રીત વિશે જાણવા જેવુ છે. દેશી અડદની દાળ તો આપણે બનાવતાં હોય એ રીતે જ બને. પણ પાનીયું કેવી રીતે બને એ જાણવું ખરેખર રસપ્રદ છે. તેના માટે દેશી મકાઈનો લોટ લઇને, તેમાં થોડુંક જીરું નાખીને, જંગલોમાં ચરતી ભેંસ કે ગાયનું તાજું દૂધ નાખીને લોટ બાંધવાનો. પછી એને પુરી જેટલાં માપનું હાથથી થાપી લેવાનું.

ત્યારબાદ એની બંને બાજુ આંકડા(હનુમાનજીને ચડતી માળા) ના પાંદડા-પાન (બરાબર ધોયેલા) લગાવી દેવાનાં. પછી એને ગાય કે ભેંસના છાણા અને અંગારામા શેકવાનું. બંને બાજુ બરાબર શેકાયને પાન બળી જાય એટલે કે આંકડાના પાનમાં જ લોટ બફાઈ જાય, પછી પણ એને થોડીવાર અંગારામાં શેકી લેવાના એટલે બની જાય પાનીયું.

આ વાનગી ઔષધીય ગુણોથી ભરપૂર આંકડાના પાનમાં બને છે, એટલે એનું નામ પાનીયું પડી ગયું. તે શરીર માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે તો ખાખરાના પાનમાં પણ આવી રીતે પાનીયું બને છે. પણ આંકડાના પાનમાં બનેલું સર્વશ્રેષ્ઠ ગણાય છે.

હવે ચટણી બનાવવાની રીત જાણીએ. તેના માટે લીલું લસણ, ચણાની ભાજી (એનાં છોડ પરથી તાજી તોડીને લાવવાની), લીલાં અને સૂકાં મરચાં, તથા સ્વાદ અનુસાર મીઠું, મસાલો, લીલા ધાણા(કોથમીર) નાખીને ખાંડણીમાં લસોટીને ચટણી બનાવવી. તે એકદમ ટેસ્ટી લાગે છે. તેમાં લાજવાબ સ્વાદ અને ગુણ હોય છે.

દાળ, પાનીયું, ચટણી અને દેશી ઘી હોય એટલે તમને સ્વાદનો ટેસડો પડી જાય. દેશી ઘી એટલે જંગલમાં ચરતી ગાય કે ભેંસનું. જેની સોડમ અંદર નાંખતા વીસેક ફૂટ સુધી અનુભવાય. હા, અહીં થોડોક ઓછો સ્વાદ આવે એવું બની શકે. પણ કોઈ ગૃહિણીએ જો બનાવ્યું હોય અથવા કોઈ ખેડુના ઘરે ખાવો તો મહેમાનગતિ અને લાજવાબ ટેસ્ટથી તમે ખુશ થઈ જાવો. આનો સ્વાદ દાળબાટીને મળતો આવે છે.

– દિલીપ પટેલની પોસ્ટનું સંપાદન.