CNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.

0
257

પાલનપુરની બનાસ ડેરી દ્વારા ગોબરમાંથી સીએનજી (CNG) બાયોગેસ બનાવી પર્યાવરણને જાળવવાનું, અને પશુપાલકોને સમૃદ્ધ કરવાના આયોજન હેઠળ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બનાસ ડેરી દૂધ પેકેજીંગ અને વેચાણ સિવાય ગોબરમાંથી બનતા સીએનજી ગેસનું નિર્માણ પણ કરી રહી છે. સીએનજી ગેસ બનાવવા માટે ડેરી દ્વારા જિલ્લાના પશુપાલકો પાસેથી 1 રૂપિયો પ્રતિ 1 કિલોના ભાવે ગોબર ખરીદવામાં આવે છે. આ ગોબરમાં રાસાયણિક પ્રક્રિયા કરી તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં પશુપાલકોને બનાસ ડેરીના આ નવા પ્રોજેક્ટથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.

બાયોગેસ પ્લાન્ટના મેનેજર કાનજીભાઈ પટેલ જણાવે છે કે, આ બાયો ગેસ પ્લાન્ટ માટે અમે ખેડૂતોના ખેતરમાંથી 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પ્રમાણે અમે ગોબર ખરીદી રહ્યા છીએ. સંઘ દ્વારા ગોબર એકઠું કરીને અહીં લાવવામાં આવે છે. રોજનું આશરે 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવી રહ્યું છે.

gobar gas CNG

પ્લાન્ટમાં ગોબર આવે તે પછી તેને ડમ્પિંગ કરીને જરૂરિયાત પ્રમાણે મિશ્રણ કરી તેને ડાયજેસ્ટરની અંદર ડાયજેસ્ટ કરવામાં આવે છે. અને બેક્ટેરિયાની મદદથી ગોબરમાંથી મિથેન ગેસ છૂટો પાડવામાં આવે છે. પછી તેનું પ્યોરિફિકેશન કરી અને તેને કમ્પ્રેસ કરી સીએનજી પંપ દ્વારા તેનું વિતરણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, બનાસ ડેરીના આ પ્રોજેક્ટ અંતર્ગત ગોબરમાંથી માત્ર ગેસ જ નહિ પરંતુ કુદરતી ખાતર અને જંતુનાશક દવા પણ બનાવવામાં આવી રહી છે. આથી ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિ કરવો પડે.

પ્લાન્ટમાં મિથેન ગેસ છૂટો પાડ્યા પછી જે સ્લરી નીકળે છે તેને સેપરેટરની મદદથી ઘન અને પ્રવાહી સ્વરૂપમાં અલગ કરવામાં આવે છે. તે ઘન સ્લરીમાંથી કમ્પોઝરની મદદથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ખેડૂતોને આપવામાં આવે છે. તેનાથી તેઓ ઓર્ગેનિક ખેતી કરી શકે છે. તેમજ જે પ્રવાહી સ્લરી નીકળે છે તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રવાહી ફર્ટિલાઇઝર બનાવી ખેડૂતોના ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

gobar gas CNG

આ પ્લાન્ટ 2000 ક્યુબિક લીટરની કેપેસીટીનો છે, જેના અંતર્ગત દરરોજ આશરે 800 કિલો સીએનજીનું પ્રોડક્શન થાય છે. તેમજ તેમાંથી લગભગ 8 ટન ખાતર બને છે, અને સાથે સાથે તેમાંથી આશરે 35 થી 40 હજાર લીટર પ્રવાહી ફર્ટિલાઇઝર બની શકે છે. ગોબરમાંથી આ રીતે સીએનજી ગેસ બનાવવાથી બમણો ફાયદો થઈ રહ્યો છે. એક તરફ પશુપાલકો પાસેથી ગોબર ખરીદવામાં આવી રહ્યું છે જેથી તેમને નફો થાય, અને બીજી તરફ તેમાંથી ગેસ બનાવવામાં આવી રહ્યો છે, જેથી પર્યાવરણને ઓછું નુકશાન થાય.

બનાસ ડેરીના ચેયરમેનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી જિલ્લાને સ્વનિર્ભર બનાવી શકાય, તેને ડીઝલ પેટ્રોલ મુક્ત કરી શકાય અને ગેસનું પ્યોરિફિકેશન કરી તેનાથી વાહનો ચલાવી શકાય એવી વ્યવસ્થા ઉભી થઈ છે. ગઈ કાલ સુધી જે ગોબર ગંદકી ગણાતું હતું તે આજે આવકનું સાધન બની ગયું છે.