આ ગામના બાળકોએ પ્રકૃતિ માટે એવું કામ કર્યું છે જે શહેરના બાળકો વિચારી પણ નહિ શકે.

0
348

આજે અમે તમારી સમક્ષ જે કિસ્સો રજુ કરવા જઈ રહ્યા છીએ, તે ઘણો જ પ્રેરણાદાયી છે. આ કિસ્સો પ્રકૃતિ અને તેના સંરક્ષણ સાથે જોડાયેલો છે. ધ્રુવ પટેલ નામના યુવકે પોતાના ગામના બાળકો અને તેમના દ્વારા પ્રકૃતિના સંરક્ષણ માટે કરેલી પહેલ વિશેની જાણકારી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તે વાંચ્યા પછી તમને પણ ગર્વ અનુભવાશે. આવો વધુ સમય ન બગાડતા તેના વિષે જાણીએ.

અમારા સુરજનગર ગામમાં ગામથી એકાદ કિલોમીટર દૂર એક ખુબજ જૂનું અને પૌરાણિક જોગણી માતાનું મંદિર આવેલ છે. ત્યાં મંદિરની આસપાસ ઘણીબધી જગ્યા એમજ ઘણા વર્ષોથી ઉજ્જડ પડેલી હતી, તો આ વર્ષે અમારા ગામના સંસ્કાર ગ્રુપના બાળકોએ આ જગ્યાને વનમાં રૂપાંતર કરવાના હેતુથી ત્યાં આગળ એક પાઇલોટ પ્રોજેકટ રૂપે એક નાનકડું સંસ્કાર વનનું નિર્માણ કરેલું છે, કે જ્યાં તેમણે વીસેક જેટલા વૃક્ષો વાવ્યા છે.

આ વનમાંના તમામ વૃક્ષો અત્યારે લગભગ સાતેક મહિનાના થયા છે. આ સંસ્કાર ગ્રુપના બાળકો તેનું ખુબજ ધ્યાન રાખી તેનું જતન કરી રહ્યા છે. તેમણે આ વનના વૃક્ષોને કોઈ પ્રાણી ખાઈ ના જાય, તે માટે થઈને આસપાસ યોગ્ય કાંટાની વાડ પણ બનાવેલ છે.

તેટલું જ નહીં પણ તેમના આ સંસ્કાર વનના વૃક્ષોને યોગ્ય પોષક તત્વો મળી રહે, તે માટે તેમણે જાતે જ વરમીકમ્પોસ્ટ ખાતર પણ બનાવી અને તેને તેઓ સમયસર આપી પણ રહ્યા છે. ત્યારબાદ અત્યારે જ્યારે શિયાળો શરૂ થયો છે એટલે ત્યાં આગળના વૃક્ષોને પાણી આપવા માટે તેમણે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, તેથી તેમણે તેનો પણ જુગાડ કરીને નકામા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી સંસ્કાર વનના વૃક્ષોને સહેલાઈથી પાણી આપી શકાય એ હેતુથી એક યોજના બનાવી છે.

જ્યારે આજની પેઢીના મોટાભાગના બાળકો મોબાઈલમાં ગેમ રમીને પોતાનો સમય બગાડી રહ્યા હોય, ત્યારે અમારા ગામના સંસ્કાર ગ્રુપના બાળકો જોડેના આવા ઊંચા વિચારો જોઈ ખુબજ આનંદ થયો. સાથે સાથે અમારા ગામના આ તમામ બાળકોને એક સાચું માર્ગદર્શન અને યોગ્ય પ્રોત્સાહન આપનાર બે વડીલો વી.કે.કાકા અને નવીનકાકાનો પણ ખૂબ ખૂબ આભાર.

ફરી એકવાર સંસ્કાર ગ્રુપના તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન.

જય ગુરુમહારાજ.

-ધ્રુવ પટેલ (સુરજનગર, તા-ઊંઝા, જી-મહેસાણા)