9 શ્રેષ્ઠ નુસખા છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યાને કાયમી મટાડવા માટે, ઘણાને થયો છે ફાયદો..

0
31578

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટેના 9 શ્રેષ્ઠ નુસખા જાણી લો, આનાથી ઘણાને ફાયદો થયો છે

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો શું તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે? શું તમને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવી રહી છે? જો હા, તો આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાકનું વહેવું અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે. જેવા કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. અને આજે અમે તમને એવા વિશે જ જણાવીશું, જે બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ ઉપયોગી છે.

મધ અને આદુ :

આપણા આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે, અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં અને ઉધરસમાં ફાયદો થાય છે, તેમજ શ્વસન ક્રિયા યોગ્ય રહે છે. એના માટે 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

સફેદ મરીનો અસરદાર ઈલાજ:

કાળા અને સફેદ આ બન્ને પ્રકારના મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. અને સાથે જ અનેક ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે. જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે. તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિક્સરને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી શરીરમાં જામેલા કફમાં ખૂબ જ ઝડપથી રાહત મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે આ મિક્ચરનું એક અઠવાડિયા સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

દ્રાક્ષનો રસ :

લીલી અને સૂકી એમ બન્ને પ્રકારની દ્રાક્ષનું સેવન આરોગ્ય માટે બહુ ફાયદાકરક માનવામાં આવે છે. દ્રાક્ષમાં પ્રાકૃતિક એક્સપેક્ટોરેન્ટ હોય છે અને આ કારણથી દ્રાક્ષનું સેવન ફેફસા માટે અને જામેલા કફની સમસ્યા માટે ઘણું લાભદાયક માનવામાં આવે છે. ગળા અને છાતીમાં જામેલા કફથી છુટકારો મેળવવા માટે તમારે બે ચમચી દ્રાક્ષનો રસ લઈ લો. અને તેમાં બે ચમચી મધ મિક્ષ કરો. આ રસનું એક અઠવાડિયા સુધી નિયમિત દિવસમાં ત્રણ વાર સેવન કરવું. આનાથી ફટાફટ ફાયદો થશે. આ સિવાય તમે રોજ આનું તાજું મિશ્રણ બનાવીને તેનું સેવન કરી શકો છો.

લેમન ટી:

હવે આવે છે લીંબૂ. આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં સ્પષ્ટપણે વર્ણન કરવામાં આવ્યું છે કે લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. અને મોટાભાગના લોકો લીંબૂના ફાયદા જાણે પણ છે. લીંબૂમાં રહેલું સિટ્રિક એસિડ અને મધમાં રહેલું એન્ટિસેપ્ટિક તત્વ જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે અને ગળામાં થતાં દુઃખાવાને દૂર કરવામાં લાભકારી સિદ્ધ થાય છે. તેના માટે બ્લેક ટી બનાવવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ ટીનું સેવન કરવું. આ ચા નું થોડાક દિવસો સુધી આ રીતે નિયમિત સેવન કરવાથી તમારી તકલીફ ચોક્કસ દૂર થશે.

મીઠાના પાણીના કોગળા કરવા:

મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તો એના માટે એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી દો. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને ધીરે ધીરે તેના કોગળા કરો. ધ્યાન રાખો કે આ પાણીને ગળવાનું નથી. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીક વાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી સતત કરો.

ગાજરનો ઉપાય છે અસરદાર :

મિત્રો ગાજર લગભગ બધાને ભાવતા જ હશે. આ ગુણકારી ગાજરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણને કારણે ગાજર રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય ગાજરમાં એવા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને કફની સમસ્યામાં ઝડપથી આરામ પહોંચાડે છે. તેના માટે તમે 3-4 તાજા ગાજર લઈ લો. હવે તેને ઘોઈને તેનો રસ કાઢી લો. તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણને બરોબર મિક્સ કરી લો. આ મિશ્રણને દિવસમાં બે થી ત્રણવાર પીઓ. છાતી અને ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

લસણ અને લીંબૂનો ઉપાય:

તમે જાણતા જ હશો કે લસણમાં અદભુત ગુણો સમાયેલા છે. લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે અને લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. જ્યારે આ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જાય છે. તેના માટે સૌથી પહેલા એક કપ પાણી ઉકાળી લો, અને તેમાં ત્રણ લીંબૂનો રસ નાખો. તેમાં થોડુંક વાટેલું લસણ નાખો અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખો અને એક ચપટી મીઠું નાખો. આ બધાંને સરખી રીતે મિક્ષ કરી લો અને પી લો. આનું સેવન કરવાથી તમારી કફની સમસ્યા છૂમંતર થઈ જશે.

હળદરનો ઉપચાર:

શરીરમાં જામેલા કફ માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક પદાર્થ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ પણ ઉમેરો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

ડુંગળી અને લીંબૂનો નુસખો:

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ અનેક પોષકતત્વો રહેલા હોય છે. જેથી રોજ એક ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. તો કફની સમસ્યા દુર કરવાં માટે તમે એક ડુંગળી લો, અને તેને છોલીને પીસી લો. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરો. ત્યારબાદ આંચ પરથી ઉતારી તેમાં એક ચમચી મધ નાખો. તમારે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું જોઈએ. આને નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર