આ રીતે બનાવો ભંડારામાં બને એવું દેશી ચણાનું શાક, આ 1 સિક્રેટ મસાલો તેને બનાવે છે બીજાથી અલગ અને સ્વાદિષ્ટ.

0
196

ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે કાળા ચણાનું શાક, તેમાં ડુંગળી-લસણ નહિ પણ 1 સિક્રેટ મસાલો નાખવામાં આવે છે. ઘણા સ્થળો પર ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમાં પ્રસાદમાં પુરી, હલવા સાથે કાળા ચણા એટલે કે દેશી ચણાનું શાક બનાવવામાં આવે છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ભંડારામાં તેનું સૂકું એટલે કે રસા વગરનું શાક બનાવવામાં આવે છે. જયારે તમે ઘરે એવું શાક બનાવો છો ત્યારે લસણ અને ડુંગળી ઉમેર્યા પછી પણ તે સ્વાદ મળતો નથી જેવો ભંડારાના શાકનો હોય છે.

ભંડારામાં ચણાના શાકમાં ડુંગળી અથવા લસણ ઉમેરતા નથી, તેમ છતાં તેનો ટેસ્ટ જબરદસ્ત હોય છે. ખરેખર ભંડરાના શાકમાં સંતાડીને એક ખાસ મસાલો નાખવામાં આવે છે. ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે ભંડારા જેવું કાળા ચણાનું ખાસ શાક ઘરે બનાવી શકાય.

જરૂરી સામગ્રી :

1 વાટલી કાળા ચણા,

1/2 નાની ચમચી મીઠું (અથવા સ્વાદ અનુસાર),

1 ચપટી હિંગ,

1/4 ચમચી હળદર પાવડર,

1 ચમચી ધાણા પાવડર,

3/4 નાની ચમચી લાલ મરચું પાવડર,

1 નાની ચમચી ચાટ મસાલો,

2-3 મોટી ચમચી તેલ,

1/4 ચમચી જીરું,

1/4 કપ પાણી (અથવા જરૂરિયાર અનુસાર),

1-2 ચમચી ઝીણી સમારેલી કોથમીર,

1 ચમચી લીંબુનો રસ,

2 ચમચી આમચૂર પાવડર,

2 ચપટી ગરમ મસાલો પાવડર.

સૌથી પહેલા કાળા ચણાને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે તેમાં ડબલ પાણી ઉમેરો અને તેને આખી રાત પલાળી રાખો. જો તમે રાત્રે ચણા પલાળ્યા નથી, તો કૂકરમાં પાણી નાંખો અને બેથી ત્રણ સીટી વગાડી તેને બાફી લો. તે દરમિયાન ચણામાં એક ચપટી સોડા પણ ઉમેરો.

હવે એક બાઉલમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાવડર અને ચાટ મસાલો નાખો. દરેક મસાલા સૂકા જ લેવા.

હવે તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો અને મિશ્રણ તૈયાર કરો. આમ કરવાથી શાક બનાવતી વખતે મસાલા બળશે નહીં.

હવે કૂકરમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અને જીરું નાંખો અને વઘાર માટે તૈયાર કરો.

હવે તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ નાંખો. તેને સારી રીતે શેકી લો.

જયારે મસાલા શેકાય જાય એટલે તેમાં કાળા ચણા નાખો. તેને સારી રીતે મિક્સ કરો.

હવે કૂકરમાં એક ચતુર્થાંસ કપ પાણી નાખો. કૂકરના ઢાંકણને બંધ કરી દો અને મધ્યમ ગેસ પર બે સીટી વગાડો.

ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવા નીકળી જાય પછી કૂકરનું ઢાંકણ ખોલો. પછી તેમાં લીંબુનો રસ નાખો અને સાથે જ તે સિક્રેટ મસાલો ઉમેરો જે તેનો સ્વાદને બમણો કરી દેશે. તે મસાલો છે આમચૂર પાઉડર. સુકા શાકમાં આમચૂર પાઉડર નાખો. અને સારી રીતે મિક્સ કરી દો.

તો તૈયાર છે તમારું ભંડારાવાળું સ્વાદિષ્ટ કાળા ચણાનું શાક. તેના પર કોથમીર નાખી તેને પુરી અને હલવા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.