તો આ કારણે ભગવાનને ચડાવવામાં આવતા ભોગમાં નથી કરાતો લસણ અને ડુંગળીનો ઉપયોગ, જાણો

0
870

લસણ અને ડુંગળી બંને એવી વસ્તુઓ છે જેમના વગર ઘણા લોકોને ખાવામાં સ્વાદ નથી લાગતો. અને તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગ દૂર થાય છે. લસણ પેટની સમસ્યાઓ દૂર કરે છે, અને ડુંગળી વાળ અને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

પણ હકીકત જોવા જઈએ તો ભગવાનને ચડતા ભોગમાં ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરવામાં આવતો. ઘણા ધર્મ એવા છે જેમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાઈ કરવામાં આવી છે. એની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ છે. પણ આજે અમે તમને એની પાછળ જે પૌરાણિક કથા છે એ જણાવીશું.

શાસ્ત્રોમાં એ વાતનું સાચું કારણ જણાવવામાં આવ્યું છે કે, શા માટે ભગવાનને આ વસ્તુઓથી બનેલી વાનગીઓનો ભોગ નથી ચડાવાતો? જો કે આની પાછળની વાર્તા ઘણી લાંબી છે, પરંતુ અમે તમને ઓછા શબ્દોમાં આ વાર્તા કહીશું, જેથી તમારો વધારે સમય નહિ વેડફાય.

મિત્રો સમુદ્ર મંથન વિષે તમને દરેકને ખબર હશે જ. આ દરમ્યાન જયારે સમુદ્ર માંથી અમૃતનું કળશ નીકળ્યું હતું એ દેવોના ભાગમાં ગયું હતું. અને વિષ્ણુ ભગવાન મોહિનીના રૂપમાં બધા દેવતાઓને અમર થવા માટે અમૃત આપી રહ્યા હતા. તે સમયે રાહુ-કેતુ નામના બે રાક્ષસ પણ અમર થવા માટે ચાલાકીથી એમની વચ્ચે આવીને બેસી ગયા હતા. એવામાં ભૂલથી ભગવાને એમને પણ અમૃત પીવરાવી દીધું હતું, પરંતુ જેવું દેવતાઓને એ ખબર પડી તો વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી એ રાક્ષસોના માથાં ધડથી અલગ કરી દીધા.

ડુંગળી અને લસણની ઉત્પત્તિ :

સુદર્શન ચક્રથી એમનું માથું ધડથી અલગ થાય ત્યાં સુધીમાં એમના મોઢામાં અમૃતના થોડા ટીપા ચાલ્યા ગયા. તેથી એ રાક્ષસોના માથા અમર થઈ ગયા, પરંતુ બીજું બધું નષ્ટ થઈ ગયું. પરંતુ જયારે વિષ્ણુજીએ એમની પર પ્રહાર કર્યો હતો ત્યારે એમના લોહીના થોડા ટીપા નીચે પડયા હતા. અને એ ટીપાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. અમૃત વાળા લોહીથી ઉત્પન્ન થયા હોવાથી તે ઔષધિ તરીકે વપરાય છે. પણ રાક્ષસોના લોહીમાં ઉત્પન્ન થયા હોવાથી તેનો ભોગ ભગવાનને નથી ચડતો.

આયુર્વેદમાં ખાદ્ય પદાર્થોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક. માનસિક સ્થિતિઓના આધાર પર આપણે એને આ રીતે વહેંચી શકીએ.

સાત્વિક :

શાંતિ, સંયમ, પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણ.

રાજસિક :

ઝનૂન અને ખુશી જેવા ગુણ.

તામસિક :

ક્રોધ, અહંકાર અને વિનાશ જેવા ગુણ.

ડુંગળી અને લસણને તામસિ ગણવામાં આવે છે. એટલે ધાર્મિક રીતે એનું સેવન કરવાની અને એનો ભાગ ભગવાનને ચડાવવાની મનાઈ છે.

ધર્મ અનુસાર લસણ અને ડુંગળીને સારી અને પવિત્ર શાકભાજી નથી માનવામાં આવતી. એના વિષે એવું કહેવામાં આવ્યું છે કે, આ બંને શાકભાજીઓ શરીરમાં ગરમીની સાથે સાથે જૂનૂન, ઉત્તેજના, અજ્ઞાનતા અને તામસિક પ્રવૃત્તિઓનો વિકાસ કરે છે. એને ખાવાથી મન એકાગ્ર નથી થતું અને ભગવાનનું ધ્યાન ધરી નથી શકાતું. આધ્યાત્મના કામમાં આ લસણ અને ડુંગળી અડચણ ઉભી કરે છે. આ કારણે એનું સેવન કરનાર વ્યક્તિએ નાહ્યા ધોયા અને મોં સાફ કર્યા વગર ભગવાનની પૂજા કરવી જોઈએ નહિ.