ભરેલા કારેલાનું શાક આ રીતે બનાવશો તો ઘરના ખાનારા તમારા વખાણ કરીને થાકશે નહિ, જાણો રેસિપી

0
9081

આ રીતે બનાવો ભરેલા કારેલાનું શાક, ખાનારા તમારા વખાણ કરતા નહિ થાકે, જાણો તેની સ્પેશીયલ રેસિપી

મિત્રો, એ વાત તો તમે બધા જાણતા જ હશો કે કારેલા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ગુણકારી છે. તમને એના ફાયદા વિષે જણાવવાની પણ કોઈને જરૂર નથી લાગતી. હા પણ તે સ્વાદમાં એટલા કડવા હોય છે કે, મોટાભાગના લોકોને એનું શાક નથી ભાવતું.

પણ જણાવી દઈએ કે, કારેલાના શાકમાં જો વેરાયટી લાવીને બનાવવામાં આવે તો એને ખાવાની મજા પડી જાય છે. અને જે લોકો કરેલાને ખાવાનું ઓછું પસંદ કરે છે તે પણ માંગી માંગીને કારેલાનું શાક ખાવા લાગે છે. અને આજે અમે તમને ભરેલા કરેલા બનાવવાની રીત જણાવીશું, જેની મદદથી તમે સ્વાદિષ્ટ કારેલાનું શાક બનાવી શકશો. તો આવો તમને જણાવી દઈએ ભરેલા કારેલાની આ રેસિપી.

જરૂરી સામગ્રી :

નાના કારેલા : 8 થી 10 નંગ,

ડુંગળીની પેસ્ટ : 1 કપ,

શેકેલા જીરાનો પાવડર : 1 ચમચી,

આમચૂર પાવડર : 1 ચમચી,

લાલ મરચા પાવડર : અડધી ચમચી,

વરિયાળી પાવડર : 1 ચમચી,

ધાણાજીરુ : 1 ચમચી,

હળદર : અડધી ચમચી,

ચપટી હીંગ,

મીઠું સ્વાદ અનુસાર.

ભરેલા કારેલા બનાવવાની રીત :

સૌથી પહેલા તો બજારમાંથી નાના નાના અને તાજા કારેલા લઇ આવો. પછી એને પાણીથી સારી રીતે છોલીને ધોઈ લો. ત્યારબાદ ચપ્પુની મદદથી એને વચ્ચે ચીરો મૂકી કારેલાની અંદર રહેલા બધા બીજ કાઢી લો. બધા જ કારેલામાં આ રીતે ચીરો મૂકીને તેમાં થોડુ મીઠું લગાવી એને 2-3 કલાક એમ જ મૂકી રાખો. આમ કરવાથી તો કારેલાની કડવાશ ઓછી થાય છે.

પછી જયારે શાક બનાવવાનું હોય ત્યારે એક કડાઈમાં તમારી જરૂરિયાત મુજબ તેલ લઇ એને ગરમ કરો. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને એને મધ્યમ આંચ પર સાંતળો. પેસ્ટ ગોલ્ડન કલરની થાય એટલે તેમાં હળદર, ધાણાજીરુ, વરિયાળી પાવડર, લાલ મરચુ, અને મીઠું નાખીને બધા મસાલા બરાબર રીતે મિક્સ કરો. પછી છેલ્લે એમાં આમચૂર પાવડર ઉમેરો અને એને બરાબર હલાવી ગેસ બંધ કરી દો. પછી એ મસાલાને ઠંડો થવા દો.

ત્યારબાદ સાઈડ પર મુકેલા કારેલાને એક એક કરીને હાથથી દબાવીને તેનું બધું પાણી સંપૂર્ણરીતે નીચવી લો. જણાવી દઈએ કે આમ કરવાથી તેની કડવાશ દૂર થાય છે. હવે તમે કારેલાની વચ્ચે જે ચીરો કરેલો એમાં પેલો મસાલો ભરો. એમાં દબાવીને મસાલો ભરશો તો તે બહાર નહિ આવે.

હવે કારેલાનું શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મુકો. પછી એક એક કરીને બધા મસાલા ભરીને તૈયાર કરેલા કારેલા એમાં નાંખો. મોટા ચમચાથી કારેલાને હલાવ્યા કરો. 5 મિનિટ સુધી એને મિડિયમ ગેસ પર ચડવા દો. હવે કડાઈને એક પ્લેટથી ઢાંકી દો અને એને ચડવા દો. વચ્ચે વચ્ચે તેને પલટતા રહો જેથી તે બધી બાજુથી બરાબર ચડી જાય. 20 મિનિટમાં તમારા કારેલા ચડી જશે. તમે કારેલા થોડા દબાવીને જુઓ, જયારે તે નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. તો હવે તૈયાર છે તમારું ભરેલા કારેલાનું શાક. લેખ ગમ્યો હોય તો લાઇક કરીને બીજાને પણ શેયર કરજો.