પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 1

0
477

અધ્યાય-૧ અર્જુનવિષાદયોગ.

કુરુક્ષેત્રની યુધ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ :

ધ્રુતરાષ્ટ્ર બોલ્યા – હે સંજય, તીર્થભુમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? II૧II

સંજય બોલ્યા : હે રાજા ,પાન્ડુંપુત્રોની સેનાને વ્યૂહ રચનામાં ગોઠવાયેલી જોઇને, રાજા દુર્યોધન, પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા. II૨II

હે આચાર્ય, પાન્ડુંપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુધ્ધિમાન શિષ્ય એવા દૃપદ્પુત્રે બહુ નિપુણતા થી કરી છે. II૩II

અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુંયુંધાન, વિરાટ અને દ્રુપદ. II૪II

તદુપરાંત ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુન્તિભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. II૫II

પરાક્રમી યુધામન્યું, અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અને દ્રોપદીના પુત્રો, એ બધા જ મહારથીઓ છે. II૬II

પરંતુ હે બ્રાહ્મણશ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિષે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે. II૭II

મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, વિકર્ણતથા સોમદતનો પુત્ર ભુરીશ્રવા, જેવા મહાપુરુષો છે કે જેઓ યુધ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. II૮II

એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તો વિવિધ પ્રકારનાં શાસ્ત્રોથી સુસજ્જ છે અને યુધ્ધવિઘ્યામાં નિષ્ણાંત છે. II૯II

આપણું સૈન્યબળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ. જ્યારે પાંડવોનું સૈન્યબળભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે. II૧૦II

માટે સૈન્ય વ્યુહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને, આપ સૌ પિતામહ ભીષ્મની પુરેપુરી સહાયતા અવશ્ય કરશો. ||૧૧||

ત્યારે કુરુવંશનાં મહાપ્રતાપી વ્યોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે, સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો. ||૧૨||

ત્યાર પછી શંખ, નગારા, તુરાઈ તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત, વાધાઘોશ, બહુ ઘોંઘાટ ભર્યો હતો. ||૧૩||

બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાલ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. ||૧૪||

ભગવાન કૃષ્ણ એ પાંચજન્ય નામનો શંખ ફૂકયો, અર્જુને દેવ્દત્ત શંખ તથા અતિમાનુશી કારનામાં કરનારા ભીમે તેનો પૌંડ નામનો શંખ ફૂકયો. ||૧૫||

રાજા અને કુંતિપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, અને નકુલ તથા સહદેવે સુધોશ તથા મનીપુશ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોધ્ધા શિખંડી, ધૃષ્ટધૂમ્ન, વિરાટ, અપરાજિત, સાત્યકિ, દ્રુપદ, દ્રોપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂક્યા. ||૧૬,૧૭,૧૮||

આકાશ તેમજ પૃથ્વી પ પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શન્ખોના નાદે ધ્રુતરાષ્ટ્રનાં પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. ||૧૯||

તે વખતે હનુમાનજીનાં ચિહ્નથી અંકિત ધ્વજ વાળા રથમાં આરુઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, ધ્રુતરાષ્ટ્રનાં પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઇને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા. ||૨૦||

અર્જુને કહ્યું : હે અચ્યુત, કૃપા કરીને મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઉભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર-સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે, તેમને હું જોઈ શકું. ||૨૧,૨૨||

ધ્રુતરાષ્ટ્રનાં દુર્બુધ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી, જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે, તેમનું મને નિરીક્ષણ કરવા દો. ||૨૩||

સંજય બોલ્યો : હે ભારતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે, બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઉભો રાખ્યો. ||૨૪||

ભીષ્મ, દ્રોણ તથા વિશ્વ ભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહી એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. ||૨૫||

બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા. ||૨૬||

જ્યારે કુન્તીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધી જનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ, ત્યારે તે કરુણાથી અભિભૂત થઇને આ પ્રમાણે કહેવા લાગ્યો. ||૨૭||

અર્જુને કહ્યું : હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે, અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. ||૨૮||

મારા સમગ્ર શરીરે કંપ થઇ રહ્યો છે. મારા શરીરે રોમાંચ થઇ રહ્યો છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે. અને મારી ત્વચા બળી રહી છે. ||૨૯||

હું હવે અહીં વધારે સમય સ્થિર ઉભો રહી શકતો નથી .હું મારી જાતને ભૂલી રહ્યો છું. અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. ||૩૦||

આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી, કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઇ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખ પણ ઈચ્છા રાખતો નથી. ||૩૧||

હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ, અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસુદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પોત્રો, સાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઉભા છે ત્યારે, ભલે તેઓ મને હણી નાખે તોયે હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું?

હે જીવમાત્રનાં પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધ્રુતરાષ્ટ્રનાં પુત્રોને હણીને, અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? ||૩૨,૩૩,૩૪,૩૫||

જો અમે આવા આતતાયીઓને હણીશું, તો અમે પાપમાં જ પડીશું, માટે જ અમે ધ્રુતરાષ્ટ્રનાં પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું, તોતે ઉચિત થશે નહિ. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઇ શકીશું? ||૩૬||

હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરીવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપને આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત થવું જોઈએ? ||૩૭.૩૮||

કુળનો નાશ થયે સનાતન કુળપરંપરા નષ્ટ થઇ જાય છે, અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. ||૩૯||

હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે, ત્યારે કુળની સ્ત્રીઓ દુષિત થઇ જાય છે અને સ્ત્રીત્વના પતનથી વૃષીણવંશી, અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. ||૪૦||

અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી, પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિ:સંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધ:પતન પામે છે, કારણકે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઇ જાય છે. ||૪૧||

જે લોકો પાપકર્મો વડે કુલ પરંપરાનો નાશ કરે છે. અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારાવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઇ જાય છે. ||૪૨||

હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. ||૪૩||

અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભાવશ થઈને, અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. ||૪૪||

જે શસ્ત્રધારણ કરેલા ધ્રુતરાષ્ટ્રના પુત્રો, નિ:શસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર થશે. ||૪૫||

સંજય બોલ્યા : રણમેદાનમાં આ પ્રમાણે કહીને, અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. ||૪૬||

અધ્યાય 2 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અધ્યાય 2 : ગીતા સાર, વાંચો ગુજરાતીમાં. ભાગ – 2

અધ્યાય 3 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 3.