રત્નોને ધારણ કરતા પહેલા જરૂર જાણી લો તેને ક્યારે અને કેવી રીતે પહેરવા?

0
404

જ્યોતિષ અનુસાર જાણો ક્યારે અને કેવી રીતે ધારણ કરવા જોઈએ રત્ન, ખોટી રીતે ધારણ કરશો તો…

જ્યોતિષવિદ્યામાં નવ ગ્રહો સાથે સંકળાયેલા નવરત્નો વિષે જણાવવામાં આવ્યું છે. આ નવરત્નો તમને ગ્રહોના ખરાબ પ્રભાવથી મુક્તિ અપાવવાની સાથે તમારો ભાગ્યોદય પણ કરે છે. જ્યારે કોઈ ગ્રહ તમારી કુંડળીમાં અશુભ પરિણામ આપે છે, ત્યારે જ્યોતિષીઓ રત્ન પહેરવાની સલાહ આપે છે. દરેક રત્નના પોતાના ફાયદા અને નુકશાન હોય છે. જો રત્નની જાણકારી ન હોય અને તેને પહેરવામાં આવે, તો ભાગ્ય વૃદ્ધિ થવાની જગ્યાએ તમને મુશ્કેલી પણ થઇ શકે છે.

રત્ન ધારણ કરતી વખતે લોકો ગ્રહ અને રાશિનું ધ્યાન રાખે છે, પરંતુ તેના વજન તરફ ધ્યાન આપતા નથી. કઈ ધાતુમાં અને કેટલા વજનનું રત્ન ધારણ કરવામાં આવ્યું છે, તેના અનુસાર પણ તે ફળ આપે છે. તેથી રત્ન પહેરતી વખતે તમને એ વાતની જાણકારી હોવી જરૂરી છે. આવો જાણીએ કે કયા રત્નનું વજન કેટલું હોવું જોઈએ, અને તેને કઈ ધાતુમાં પહેરવું જોઈએ?

જો તમારે માણિક્ય રત્ન ધારણ કરવું હોય તો તે ઓછામાં ઓછું 3 રતીથી ઉપર હોવું જોઈએ. તેનાથી ઓછા વજનનું રત્ન ફળદાયક નથી રહેતું. તેને સોનાની વીંટીમાં પહેરવામાં આવે છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે વીંટીનું વજન 5 રતીથી ઓછું ન હોય. માણિક્ય રત્નની અસર તેને મઢાવ્યા પછી ચાર વર્ષ સુધી રહે છે. તે પછી તેને બદલવું જોઈએ.

મોતી રત્ન ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત હોય છે. મોતી પહેરતી વખતે તેની બરાબર તપાસ જરૂર કરો. મોતી રત્નને મોટાભાગે ચાંદીના વીંટીમાં પહેરવામાં આવે છે. તમે સોનાની વીંટીમાં પણ મોતી પહેરી શકો છો. વીંટીમાં 4 રતીનું મોતી પહેરવું ઉત્તમ રહે છે. જો તમે ચાંદીની વીંટીમાં રત્ન ધારણ કરો છો, તો તેનું વજન ચાર રતીથી ઓછું હોવું જોઈએ નહીં.

મૂંગા રત્ન મંગળ ગ્રહને અનુકૂળ બનાવવા માટે પહેરવામાં આવે છે. મૂંગાને સોનાની વીંટીમાં મઢાવીને ધારણ કરવું જોઈએ. આ રત્નનું વજન ઓછામાં ઓછું 8 રતી હોવું જોઈએ, અને વીંટીનું વજન 6 રતી તો હોવું જ જોઈએ. તેની ઉપર તમે કોઈપણ વજનની વીંટી લઈ શકો છો. મૂંગા રત્ન પહેર્યા પછી ત્રણ વર્ષ સુધી તે અસરકારક રહે છે. તે પછી નવું મૂંગા રત્ન ધારણ કરો.

પન્ના રત્ન બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. પન્ના રત્નને સોનાની વીંટીમાં પહેરવું જોઈએ. પન્ના રત્ન 3 રતી વજનથી ઉપરનું જ ધારણ કરવું જોઇએ, કારણ કે પન્ના 3 રતીથી ઓછા વજનનું હોય તો ઓછું અસરકારક હોય છે. જો તમે 3 થી 6 રતીનું પન્ના પહેરો છો તો તે સાધારણ અસરકારક રહે છે. 6 રતીથી ઉપરનું પન્ના વધુ અસરકારક માનવામાં આવે છે. વીંટીમાં મઢાવ્યા પછી તે ત્રણ વર્ષ સુધી ફળ આપે છે.

પુખરાજ રત્ન ગુરુ ગ્રહને અનુકૂળ બનાવવા માટે પહેરવામાં આવે છે. તેને સોના અથવા ચાંદીની વીંટીમાં પહેરવું જોઈએ. પુખરાજ હંમેશાં 4 રતીથી ઉપરનું ધારણ કરવા પર જ ફળદાયક રહે છે. પુખરાજ રત્ન વીંટીમાં જડ્યા પછી 4 વર્ષ 3 મહિના 18 દિવસ સુધી અસરકારક રહે છે. તે પછી એક નવું પુખરાજ પહેરવું જોઈએ.

હીરા રત્ન શુક્ર ગ્રહનું માનવામાં આવે છે. હીરાને સોનાની વીંટીમાં પહેરવું જોઈએ. હીરો હંમેશા મોટો ધારણ કરવો જોઈએ. મોટો હીરો વધુ અસરકારક હોય છે. હીરો ઓછામાં ઓછો 1 રતીથી ઉપર હોવા જોઈએ. જે વીંટીમાં તમે રત્ન પહેરવાના છો તેનું વજન 7 રતીથી ઉપર હોવું જોઈએ. તેને પહેર્યાના 7 વર્ષ સુધી તે અસરકારક રહે છે.

નીલમ શનિનું રત્ન માનવામાં આવે છે. શનિનું રત્ન હોવાથી તમારે તેને પંચ ધાતુ અથવા લોખંડની વીંટીમાં પહેરવું જોઈએ. આ સિવાય તમે તેને સોનામાં પણ પહેરી શકો છો. જો તમે નીલમ પહેરવા જઇ રહ્યા છો, તો તે ઓછામાં ઓછું 4 રતી વજન અથવા તેનાથી વધુ વજનનું જ પહેરો. નીલમ પાંચ વર્ષ સુધી પ્રભાવશાળી રહે છે.

ગોમેદ રત્નને છાયા ગ્રહ રાહુનું રત્ન માનવામાં આવે છે. ગોમેદ હંમેશાં 4 રતીથી ઉપરનું જ પહેરવું જોઈએ. જે વીંટીમાં તમે ગોમેદ પહેરવાના છો, તેનું વજન પણ 4 રતીથી વધારે હોવું જોઈએ. તે ઓછા વજનવાળું રત્ન અથવા ઓછા વજનવાળી વીંટીમાં તે ફળદાયક નથી હોતું. ગોમેદ પહેર્યા પછી તે 3 વર્ષ સુધી અસરકારક રહે છે.

લસણિયો રત્ન કેતુ ગ્રહને અનુકૂળ બનાવવા માટે પહેરવામાં આવે છે. આ રત્ન હંમેશા 4 રતીથી વધુ વજનનું જ પહેરવું જોઈએ. તેને હંમેશાં લોખંડ અથવા પંચધાતુથી બનેલી વીંટીમાં પહેરો. વીંટીનું વજન 7 રતી અથવા તેનાથી વધુ હોવું જોઈએ. આ રત્ન ત્રણ વર્ષ સુધી પ્રભાવશાળી રહે છે.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.