“બકરું કાઢતા ઊંટ પેઠું” વાંચો આ લોક કહેવત પાછળ રહેલી વાર્તા, આજના યુવાનોને તેના વિષે કાંઈ ખબર નહિ હોય.

0
540

આપણી ગુજરાતી ભાષામાં કેટલીક લોક કહેવતો પ્રચલિત થઈ ગઈ છે, અને આ કહેવતો કેવી રીતે અમલમાં આવી તેની પાછળ કેટલીક વાર્તાઓ છે. એવી જ એક પ્રચલિત લોક કહેવત છે, “બકરું કાઢતા ઊંટ પેઠું”. જયારે માણસ એક મુશ્કેલીથી બચવા જતા મોટી મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે આ કહેવતનો ઉપયોગ કરે છે. આજે આ કહેવત પાછળ શું ઘટના રહી હતી તે અમે તમને જણાવીશું.

વર્ષો પહેલાની વાત છે. કાઠિયાવાડમાં એક દવલ નામના ડોશીમા રહેતા હતા. ડોશીમા સ્વભાવના થોડા વહમા હતા. ડોશીમા આખો દિવસ ઘરમાં વીજળી ના વપરાય તે માટે ગામમાં ફરવા નીકળી જાય, અને રાતે ક્યાંય ભજન થવાના હોય તો સહુથી પહેલા પહોંચી જતા. તેઓ ચા તો ક્યારેય ઘરે બનાવતા જ નહીં, બીજાના ઘરની જ પીતા. આમ ડોશીમા સ્વભાવના ઘણા ચીકણા હતા.

એક દિવસ કડકડતી ઠંડીમાં તેઓ તળાવે નાહવા ગયા. નાહીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે, ફળિયામાં બકરીનું લવારું જમીન પર બે બે કરતું તરફળિયા મારતું હતું. મરવા પડેલા બકરીના લવારાને જોઈને ડોશીમા તાડુંક્યા,

“મુવો કાળા મોઢા વાળો ધણી, અહીં લવારું નાખી ગયો? મુવાની ભલી થાય.”

એવામાં બબળતા ડોશીને વિચાર આવ્યો કે, આજે તો ગોકળ આઠમ છે. જો આ લવારું આજે મરી જશે તો કોઈ તેને ઉપાડવા નહીં આવે, અને આવશે તો એક રૂપિયો માગશે. ગાડાના પૈસા જેવડો રૂપિયો અમથો અમથો થોડી આપી દેવાય.

આવો વિચાર કરી ડોશીમા જાતે જ કોથળામાં લવારાને લઈને હર હર શંભુ કરતા કોઈકના વાડામાં નાખી આવ્યા. પછી તે ફરી તળાવમાં નાહીને ઘરે આવતા હતા, ત્યાં તો લોકોની અવર જવર શરૂ થઈ ગઈ હતી. ડોશીમા મનમાં ઘણા ખુશ થતા હતા કે, કોઈને ખબર પણ ના પડી અને તેમણે મોટું કામ પતાવી દીધું ને એક રૂપિયો બચાવ્યો. પણ ડોશીમા જેવા ફળિયામાં આવ્યા કે તેમની ખુશી અલોપ થઈ ગઈ.

વાત એમ બની કે ડોશીમા લવારું નાંખવા ગયા ત્યારે ગામમાં એક બીમાર ઊંટ ઘણા સમયથી ભટકતું હતું. આ ઊંટ અંધારામાં ફરતું ફરતું ડોશીમાના ફળિયામાં આવ્યું અને બેઠું એવા એના રામ રમી ગયા.

ફળિયામાં ઊંટ મરેલું જોઈને ડોશીમા તો હેબક ખાઈ ગયા. એમને થયું નસીબ બે ડગલાં આગળ છે. જો લવારું એમજ રેવા દીધું હોત તો કોઈ એક માણસ આવીને એક રૂપિયામાં ઉપાડી જાત. પણ હવે ઊંટ ઉપાડવા ૪-૫ માણસ બોલાવવા પડશે અને પુરા પાંચ રૂપિયા આપવા પડશે.

આ પછી એવી કહેવત પડી ગઈ કે “બકરું કાઢતા ઊંટ પેઠું” આ કહેવતનો ભાવાર્થ એવો છે કે, લોભીયો માણસ નાની ઉપાધિ દૂર કરવા જાય છે અને મોટી ઉપાધિમાં ફસાઈ જાય છે.