જય અંબે : અંબાજીમાં ભક્તો માટે બનાવવામાં આવતા પ્રસાદમાં કયારેય કીડી મકોડા નથી ચડતા જાણો આખી વિગત

0
1138

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર ઘણું પ્રખ્યાત છે. અને એનું પોતાનું અલગ મહત્વ છે. તે માતાના શક્તિ પીઠોમાંથી એક છે. એને શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ શક્તિપીઠ એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતમાં 358 સુવર્ણ કળશ ધરાવતું આ એક માત્ર શક્તિપીઠ છે. અને 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માં ના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પ્રત્યે લોકોની ઘણી આસ્થા છે.

 

અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલું છે. અને ભક્તો સિવાય પ્રવાસીઓ પણ અહીં મંદિરની મુલાકાત લેવા આવે છે. અને શાંતિનો અનુભવ કરે છે. અહીં ભાદરવી પૂનમે મહામેળાનું આયોજન થાય છે. અને એમાં આવતા તમામ ભક્તોને પુરતા પ્રમાણમાં માતાજીનો પ્રસાદ મળી રહે, તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. અને અહીં આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, પ્રસાદ માટેનો મોહનથાળ મંદિરના જે પ્રસાદઘરમાં બને છે ત્યાં ક્યારેય કીડી મકોડા આવતા નથી.

જો આપણા ઘરમાં પણ મોટા પ્રમાણમાં મીઠી વસ્તુઓ મૂકી હોય તો ત્યાં કીડી મકોડા આવતા વાર નથી લાગતી. પણ માતાના આ મંદિરના પ્રસાદ ઘરમાં કીડી મકોડા નથી આવતા. મળેલી જાણકારી અનુસાર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે 6 હજાર ડબ્બા ઘી (90 હજાર કિ.લો.), 1.20 લાખ કિલોગ્રામ બેસન, 240 કિલોગ્રામ ઇલાયચી, 1.80 લાખ કિલોગ્રામ ખાંડ અને 21 હજાર લીટર દૂધનો ઉપયોગ કરવામાં આવશે.

મંદિરના પ્રસાદ ઘરના કર્મચારી એવા હસમુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અંબા માં ના ધામમાં આવતા દરેક ભાવિભક્તો માટે તૈયાર થતા પ્રસાદમાં ક્યારે પણ કીડી-મકોડા લાગતા નથી. અને માતાજીને ચઢતાં થાળમાં પણ ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી.

મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં માતાને સવારે બાલભોગ ધરાવવામાં આવે છે, જેમાં માતાજીને સોજીનો શીરો ધરાવાય છે. પછી બપોરે રાજભોગ ધરાવવા આવે છે. તેમાં કઠોળ, ફરસાણ, મીઠાઇ, પુરી, બે શાક, રાયતુ અને દાળ ભાત વગેરે ધરાવાય છે. અને સાંજે શયનભોગ ધરાવવામાં આવે છે, જેમાં ફ્રુટ, દૂધ અને મગજ મીઠાઇ ધરાવાય છે. અને માતાજીને ધરાવવામાં આવતા ભોગની બધી જ વસ્તુઓ ઘી માં જ બનાવવા આવે છે. એમાં કયાંય પણ તેલનો ઉપયોગ થતો નથી. માતાજીના પ્રસાદનો ભક્તોમાં વિશેષ મહિમા છે.

ઘણા બધા ભક્તો અંબાજીના દર્શને પગપાળા જાય છે. અને એવું કહેવામાં આવે છે કે, પગે ચાલીને માતાજીના દર્શને જનારાંઓની વિનંતી માતાજી જરૂર સાંભળે છે. જોકે આ પગપાળા સંઘની શરૂઆત કેવી રીતે થઈ તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ દર વર્ષે ગુજરાતના દરેક ખૂણામાંથી અનેક સંધો પૂનમના દિવસે બોલો માડી અંબે, જય જય અંબેના જયઘોષ સાથે પગપાળા માતાના દર્શને માટે અંબાજી જાય છે.