આ ધોધ તમે જોયાજ હશે પણ નામ ખબર નઈ હોય જાણો આ ભારત ના સૌથી ફેમસ ધોધ વિશે

0
1230

મિત્રો, જો તમને કુદરતના ખોળે રહેવાનું પસંદ છે, અને તમે કુદરતી અજાયબીઓ જોવાના શોખીન છો, તો આ લેખ તમારા માટે ખાસ છે. આજે અમે અમને અથીરાપલ્લી ધોધ અને વાઝાચલ ધોધ વિષે થોડી જાણકારી આપવાના છીએ. તમે અથીરાપલ્લી ધોધનું નામ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ મોટા ભાગના લોકોએ આ ધોધ જોયો છે. આ ધોધ તમે ‘ગુરુ’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘બરસો રે મેઘા મેઘા’ જોયો છે. જી હાં, આ ગીતનું શુટીંગ અથીરાપલ્લી ધોધ આગળ થયું છે. તો આજે ફરીથી આ ગીતનો વિડીયો જોઈ લેજો એટલે તમારી યાદ તાજી થઇ જાય. તેમજ સુપર હિટ ફિલ્મ ‘બાહુબલી’ માં પણ આ અથીરાપલ્લી ધોધ બતાવ્યો છે.

એટલું જ નહિ ‘જંગલ લવ’ ફિલ્મનું ‘કોયલિયાં ગાતી હૈ’ તથા ‘દિલ સે’ ફિલ્મના એક ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે. હિન્દી ફિલ્મ ‘રાવણ’ તથા ઘણી મલયાલમ ફિલ્મો અહીં ઉતરી છે. તો ફિલ્મ પ્રોડ્યુસરોનો તો આ માનીતો ધોધ છે જ, પણ આ ધોધ ટુરિસ્ટોનો પણ એટલો જ માનીતો છે. એક આંકડા અનુસાર દર વર્ષે ૭૦ લાખ જેટલા પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે. અને ચોમાસામાં જયારે આ ધોધમાં ભરપુર પાણી હોય છે, ત્યારે તો આ ધોધ અમેરીકાના નાયગરા ધોધ જેવો દેખાય છે. એટલે એને ભારતનો નાયગરા પણ કહે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અહીં ચલાકુડી નદી આખી જ ધોધરૂપે પડે છે. આ જ નદી પર અથીરાપલ્લીની ૫ કી.મી. ઉપરવાસમાં વાઝાચલ નામનો બીજો ધોધ પણ છે. તેમજ અથીરાપલ્લીથી વાઝાચલ જતાં રસ્તામાં ચપરા નામનો ત્રીજો ધોધ પણ છે. તો ચાલો, આજે તમને આ બધા વિષે વિગતવાર જાણકારી આપીએ. અથીરાપલ્લી અને વાઝાચલ બંને જાણીતાં ટુરિસ્ટ આકર્ષણ છે. અહીં ફરવા માટે જૂનથી ઓક્ટોબર સારો સમય છે. ક્યારેક આ ધોધ જોવા જજો. જોઇને એમ લાગશે કે શું આપણા દેશમાં પણ આવા ભવ્ય ધોધ છે.

મિત્રો, કેરાલા રાજ્યના ત્રિસુર જીલ્લામાં અથીરાપલ્લી નામનું ગામ આવેલું છે. આ ત્રિસુર જિલ્લાને થ્રીસુર પણ કહેવામાં આવે છે. અને પશ્ચિમઘાટના અનામુડી પર્વતમાંથી નીકળતી ચલાકુડી નામની નદી વાઝાચલનાં જંગલોમાંથી થઈને, અથીરાપલ્લી ગામ આગળ ધોધરૂપે પડે છે. આગળ જતાં આ નદી પર થુમ્બુરમુઝી આગળ બંધ બાંધેલો છે. પછી આ નદી અરબી સમુદ્રને મળે છે. આ નદીની કુલ લંબાઈ ૧૪૫ કી.મી. છે. આ અથીરાપલ્લી ધોધ ચલાકુડી ગામથી ૩૦ કી.મી. દૂર છે. અહીં પહોંચવું પણ સરળ છે. ચલાકુડી રેલ્વે સ્ટેશન છે એટલે તમે ટ્રેન મારફતે સીધા ગામમાં પહોંચી શકો છો. પછી ચલાકુડીથી બસ કે ટેક્સીમાં અથીરાપલ્લી જવાય છે. આ રસ્તો સરસ ગ્રીનરીવાળો છે.

ત્રિસુર શહેરથી આ ધોધ ૬૦ કી.મી. દૂર છે. અને કેરાલાના જાણીતા શહેર કોચીનથી આ ધોધ ૭૦ કી.મી. અને કોચીન એરપોર્ટથી ૫૫ કી.મી. દૂર છે. જણાવી દઈએ કે, અથીરાપલ્લી ધોધ, કેરાલા રાજ્યનો સૌથી મોટો ધોધ છે. ચલાકુડી નદી અહીં ખડકોમાં વહીને આવે છે, અને તે ૨૪ મીટર ઉંચેથી ધોધરૂપે નીચે પછડાય છે. આ ધોધનું દૂધ જેવું સફેદ પાણી અને પછડાટનો અવાજ, ઘુઘવાટ ત્યાં હાજર દરેક લોકોનાં મન મોહી લે છે. આમ તો આ ધોધ 3 મોટી અને જાડી ધારાઓના રૂપમાં પડે છે. પણ જયારે પાણી વધુ હોય ત્યારે આ બધી ધારાઓ ભેગી થઇ જાય છે અને ૧૦૦ મીટર પહોળી આખી નદી જ ધોધ બની જાય છે. એ સમયે આ ધોધનું દ્રશ્ય બહુ જ અદભૂત લાગે છે.

જણાવી દઈએ કે, અથીરાપલ્લી ગામથી ૨ કી.મી. જેટલું ચાલીને આ ધોધ આગળ પહોંચી શકાય છે. અહીંનો રસ્તો પાકો છે, એટલે ચાલતા જવામાં કોઈ તકલીફ પડે એવું કઈં નથી. આ રસ્તો ચઢાણવાળો છે એટલે પહેલાં તો ધોધની ટોચ આગળ પહોંચાય છે. ત્યાંથી ઉપરવાસમાં વહેતી ચલાકુડી નદીનું સુંદર દ્રશ્ય દેખાય છે. ધોધ પણ દેખાય છે. નદીના કિનારે વાંસની સાદી વાડ બનાવેલી છે. આમ તો એ વાડ ઓળંગીને ધોધ આગળ જવામાં જોખમ રહેલું છે. પણ અહીંથી ખડકોમાં થઈને નીચે ઉતરાય છે, અને નીચે નદી કિનારે ઉભા રહી ધોધનું મનોહર દર્શન થાય છે.

અહીં નદીના પાણીમાં ઉતરાય એવું હોવાને લીધે નદીમાં ઉતરી, કોઈ પત્થર પર બેસી, ધોધને સામેથી ધરાઈ ધરાઈને જોઈ શકાય છે. અને એના ફોટા પાડી શકાય છે. પણ ધોધ પડે છે એ જગાએ તો બિલકુલ ના જઇ શકાય. લોકો અહીં નદીમાં નહાય છે, તરે છે. સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે. આ નદીના સામે કિનારે ઉંચી ટેકરીઓ છે, જેને શોલાયર ટેકરીઓ કહેવાય છે. આ ટેકરીઓ પર ગાઢ જંગલો છે. આ ધોધની નજીક જ નદીના કિનારા પર રેઇનફોરેસ્ટ નામનો એક રીસોર્ટ છે, અને એના રૂમોની બાલ્કનીમાંથી પણ આ ધોધ દેખાય છે, અને ધોધનો અવાજ પણ સંભળાય છે. જો કે અહીં રહેવું ઘણું મોંઘુ સાબિત થાય છે.

આ ધોધથી આશરે ૧ કી.મી. દૂર કર્ણાટક ટુરીઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની હોટેલ અને રીસોર્ટ છે, ત્યાં રોકાવું વધુ અનુકૂળ રહેશે. આ ધોધ આગળ પક્ષીઓનો કલરવ સંભળાય છે. અને પક્ષીશોખીનો અહીં બર્ડ વોચીંગ માટે આજુબાજુ ટ્રેકીંગ પણ કરતા હોય છે. આ વિસ્તારમાં ઔષધિ માટેની વનસ્પતિનો બગીચો છે. બાળકો માટેનો પાર્ક પણ છે. અથીરાપલ્લીની નજીક બે વોટરપાર્ક છે. એમાં ધોધનું પાણી વાળીને બગીચામાં ધોધ જેવી રચના કરી છે. ત્યાં પણ બાળકો સાથે રજા માણી શકાય છે. અથીરાપલ્લી ધોધને જોવાનો સમય સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધીનો છે. આ ધોધને જોવા માટે ટીકીટ લેવાની હોય છે. પણ આ ટીકીટમાં વાઝાચલ ધોધ જોવાની ટીકીટ પણ આવી જાય છે. તો ચાલો હવે વાઝાચલ ધોધ વિષે પણ તમને જણાવીએ.

જેવું કે અમે આગળ જણાવ્યું એમ અથીરાપલ્લી ધોધની ઉપરવાસમાં ૫ કી.મી. દૂર વાઝાચલ ધોધ આવેલો છે. અને આ ધોધનો દેખાવ અથીરાપલ્લી ધોધ કરતાં જુદા પ્રકારનો છે. અથીરાપલ્લી ધોધ એકદમ ઉપરથી ઉભી ધાર રૂપે નીચે પડે છે. પણ આ વાઝાચલ ધોધ ઢોળાવ પર વહે છે. અહીં લગભગ ૧૦૦ મીટર જેટલી લંબાઈમાં નદી ઢોળાવવાળા ખડકો પર વહે છે. એ ઢોળાવ પૂરો થયા પછી મોટું તળાવ ભરાય છે, અને પછી તે પાણી આગળ વહે છે. અહીં ધોધમાં ઉતરવામાં ઘણું જોખમ છે. જો ઢાળમાં ગબડયા તો નીચે તળાવમાં પડાય અને ડૂબી જવાય એવું છે. તો એના કિનારે ઉભા રહીને જ આ ધોધને નિહાળવો સારો રહેશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ધોધ અથીરાપલ્લીથી વાલાપરાઈ જવાના રસ્તે આવેલો છે. ત્યાં જવા માટે અથીરાપલ્લીથી ઘણાં વાહનો દોડે છે. આ રોડ, ચલાકુડી નદીને લગભગ કિનારે કિનારે જ છે. અને વાઝાચલ આગળથી જ શોલાયારનાં જંગલો શરુ થાય છે. વાઝાચલ આગળ, ચલાકુડી નદીમાં બંધ બાંધવાનો પ્લાન છે, પણ હજુ તે વિવાદમાં છે. અને એ પણ જણાવી દઈએ કે, અથીરાપલ્લીથી વાઝાચલ જતી વખતે વચ્ચે રોડ પર જ ચપરા ધોધ આવે છે. આમ તો ચપરા ધોધ એટલો વધારે જાણીતો નથી, પણ રોડ પર જ આવતો હોવાથી અહીં બેઘડી ઉભા રહેવાનું મન થઇ જાય. આ ધોધ ૬૩ મીટર ઉંચેથી પડે છે. સીઝનમાં અહીં પાણી સારું એવું હોય છે.

મિત્રો, અથીરાપલ્લી-વાલાપરાઈ રોડ પર અથીરાપલ્લીથી ૪૩ કી.મી. દૂર શોલાયાર ડેમ આવેલો છે. અને આ ડેમ પણ જોવા જેવો છે. અથીરાપલ્લીથી વાલાપરાઈ ૬૦ કી.મી. દૂર છે. વાલાપરાઈ હીલ સ્ટેશન છે. અને ત્યાં ચા અને કોફીના ઘણા બગીચા છે. આથી આને દક્ષિણનું ચેરાપુંજી કહેવામાં છે. અહીંથી ૨૪ કી.મી. દૂર જતા તમને મંકી ધોધ જોવા મળશે. તે વાલાપરાઈ-પોલાચી રોડ પર આવેલો છે. ધોધ રોડ સાઈડ પર જ છે. આ એક પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળ છે. અહીં ધોધમાં નહાવાની મજા આવે છે. અહીં પણ ટીકીટ લેવાની હોય છે. પણ એક વાત યાદ રાખજો કે, અહીં વાંદરાઓ બહુ પાછળ પડે છે. કોઈમ્બતોરથી આ ધોધ ૬૫ કી.મી. દૂર છે.

સાથે સાથે એ પણ જણાવતા જઈએ કે, ત્રિસુરમાં વડાકુનાથન, પારામેકાવુ, થીરુવમ્બડી વગેરે મંદિરો છે. અને ત્રિસુરમાં દર વર્ષે ત્રિસુર પુરમ નામનો તહેવાર ઉજવાય છે. ત્રિસુરથી ૨૯ કી.મી. દૂર ગુરુવાયુર ગામમાં ગુરુવાયુરનું પ્રખ્યાત મંદિર છે. અને આ મંદિર કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. કૃષ્ણ, વિષ્ણુના અવતાર હોવાથી અહીં કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને દર વર્ષે લાખો ભક્તો આ મંદિરનાં દર્શન કરવા આવે છે. ગુરુવાયુર રેલ્વે સ્ટેશન છે અને મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. તો અહીં પહોંચવું પણ સરળ છે.

મિત્રો, એ તો તમે જાણતા હશો કે કોચીન જાણીતું બંદર છે. અને કોચીનના ઇતિહાસની વાત કરીએ, તો વાસ્કો-ડી-ગામા અહીં ૫૦૦ વર્ષ પહેલાં આવ્યો હતો, અને યુરોપના ભારત સાથેના વેપારની શરૂઆત કરી હતી. કોચીનને કોચી પણ કહેવામાં આવે છે. કોચીન-અર્નાકુલમ ટ્વીન સીટી છે. જણાવી દઈએ કે, કોચીનથી ૧૨૦ કી.મી. દૂર મુન્નાર નામનું એક સુંદર સ્થળ આવેલું છે. અને એને દક્ષિણ ભારતનું સ્વીટઝરલેન્ડ કહે છે. અહીં ઘણા ટી એસ્ટેટ છે. અથીરાપલ્લીથી મુન્નાર ૧૦૦ કી.મી. જેટલું દૂર આવેલું છે. કેરાલાની ટુરવાળા ટુરિસ્ટોને કોચીનથી મુન્નાર લઇ જતા હોય છે.

– ડૉ. પ્રવીણ શાહના બ્લોગનું સંપાદન.