ટીવી અને ફિલ્મોમાં પોતાના અભિનયનો ડંકો વગાડનાર એક્ટર આશીષ રૉયનું લાંબી બીમારી બાદ મૃત્યુ.

0
219

ફિલ્મ અને ટીવી અભિનેતા આશીષ રૉયનું લાંબી બીમારી બાદ નિધન, ત્રણ વર્ષથી ચાલી રહી હતી કિડની ટ્રીટમેન્ટ. જાણીતા ફિલ્મ અને ટીવી અભિનેતા આશીષ રૉયનું લાંબી બીમારી બાદ આજે વહેલી સવારે મુંબઈમાં નિધન થયું છે. તે 55 વર્ષના હતા અને છેલ્લા થોડા વર્ષોથી કિડનીની સમસ્યાથી ગ્રસ્ત હતા. છેલ્લા ત્રણ વર્ષોથી તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું.

આશીષનું નિધન આજે વહેલી સવારે 3:45 વાગ્યે મુંબઈના વર્સોવામાં આવેલી પાટલિપુત્ર નામની બિલ્ડીંગમાં તેમના જ ફ્લેટમાં થયું હતું. આશીષ રૉયના જુના મિત્ર અને અભિનેતા સૂરજ થાપરે એબીપી ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું, ‘સવારમાં તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી, એવામાં તેમના કેયર ટેકરે તેમને પાણી પીવડાવ્યું અને ચા બનાવીને આપવાની વાત કરી, પણ થોડી જ મિનિટોમાં આશીષે પોતાની પથારીમાં જ દમ તોડી દીધો.’

ઘણી હોલીવુડ ફિલ્મોના હિંદી ડબિંગમાં આપ્યો હતો અવાજ : આશીષ એક ઉમદા અભિનેતા હોવાની સાથે એક જાણીતા વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ હતા અને તેમણે ઘણી હિંદી અને હોલીવુડ ફિલ્મો માટે ડબિંગ કરીને ખુબ નામ કમાયું હતું. તેમણે ‘સુપરમેન રિટર્ન્સ’, ‘ધ ડાર્ક નાઈટ’, ‘ગાર્ડિયન્સ ઓફ ઘ ગેલેક્સી’, ‘ધ લેજન્ડ ઓફ ટારઝન’ અને ‘જોકર’ જેવી ઘણી ડબ્ડ હોલીવુડ ફિલ્મોના મુખ્ય પાત્રો માટે પોતાનો અવાજ આપ્યો. તેના સિવાય, ઘણી હોલીવુડ ફિલ્મોને ભાષાંતરીત કરવાનો શ્રેય પણ તેમને જાય છે.

આ સિરિયલમાં કર્યું કામ : આશીષે ઘણી બોલીવુડ ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવવા સિવાય ‘બ્યોમકેશ બખ્શી’, ‘બનેગી અપની બાત’, ‘યસ સર’, ‘બા બહુ ઔર બેબી’, ‘સસુરાલ સિમર કા’, ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘કુછ રંગ એસે ભી’, ‘આરંભ’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

લગ્ન કર્યા ન હતા : આશીષે લગ્ન કર્યા ન હતા અને તે પોતાના કેયર ટેકર સાથે મુંબઈમાં આવેલા ફ્લેટમાં રહેતા હતા. તેમની બહેન કનિકા કોલકાતામાં રહે છે, અને આજે સાંજે 6:15 વાગ્યાની ફ્લાઇટથી મુંબઈ પહોંચશે અને ત્યારબાદ આશીષના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા આશીષ : ઉલ્લેખનીય છે કે પોતાની બીમારી અને ખરાબ આર્થિક સ્થિતિથી ત્રાસેલા આશીષ મુંબઈમાં આવેલ પોતાનો ફ્લેટ વેચીને કોલકાતામાં પોતાની બહેન સાથે શિફ્ટ થવા માંગતા હતા, પણ લોકડાઉનને કારણે તે પોતાનો ફ્લેટ વેચવામાં અસમર્થ સાબિત થયા અને પછી તેમને કલર્સના શો માં કામ પણ મળી ગયું. એવામાં આશીષે કોલકાતા જવાનો પ્લાન થોડા સમય માટે તાળી દીધો હતો. મેં મહિનામાં આશીષના ડાયાલિસિસ માટે પૈસાની અછતની વાત સામે આવી, ત્યારે ઇન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓએ તે સમયે આશીષની આર્થિક મદદ કરીને તેમના ઈલાજમાં મદદ કરી હતી.

આ માહિતી એબીપીલાઇવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.