લગ્ન પછી રેશન કાર્ડમાં પત્નીનું નામ ઉમેરવા શું કરવું અને નવું રેશન કાર્ડ કેવી રીતે મેળવવું, જાણો

0
9036

લગ્ન પછી પત્નીના પતિના નામ સાથેના બધા ડોક્યુમેન્ટ મેળવવા માટે ઘણી દોડધામ કરવી પડે છે. એ ડોક્યુમેન્ટ માંથી એક છે રેશન કાર્ડ. અને આ કામ કરવું જરૂરી પણ છે. કારણ કે એક સ્ત્રીના લગ્ન થયા પછી તેની સરનેમથી લઈને સરનામાં સુધીની તમામ ચીજવસ્તુઓમાં પરિવર્તન આવે છે, અને એણે પોતાના ડોક્યુમેન્ટમાં સુધારા કરાવવા પડે છે.  એવું જ રેશન કાર્ડમાં પણ થાય છે. એમાં લગ્ન બાદ સ્ત્રીનું નામ તેના પિતાના રેશન કાર્ડ માંથી નીકળી જાય છે, અને એક નવા રેશન કાર્ડમાં પતિ અને પત્ની બંનેના નામ ઉમેરાય છે.

અને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે નવું રેશન કાર્ડ કઢાવવા માટે શું કરવું અને શું ના કરવું? આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, નવું રેશન કાર્ડ કઢાવવા માટે શું શું કરવું પડશે? તો આવો તમને એની માહિતી આપીએ.

પહેલા તો તમને એ જણાવી દઈએ કે, નવું રેશન કાર્ડ બનાવવું શા માટે જરૂરી છે? તો મિત્રો, જયારે બે વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાય છે, ત્યારબાદ તેમના સુખી કુટુંબમાં બાળકોનું આગમન પણ થાય છે. એટલે ઘરના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે અને ઘરમાં અનાજ, કેરોસીન વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની જરૂરિયાત વધી જાય છે. એટલા માટે નવા રેશન કાર્ડની જરૂર પડે છે. તેમજ ઘરમાં યોગ્ય જગ્યાનો અભાવ હોવાના કારણે અન્ય જગ્યાએ વસવાટ કરવા જવા માટે પણ નવા રેશન કાર્ડની જરૂર પડે છે.

નવો રેશન કાર્ડ બનાવવા માટે શું કરવું?

દરેક છોકરીનું નામ એના પિતાના રેશન કાર્ડમાં હોય છે. અને એના લગ્ન થયા પછી પતિના રેશન કાર્ડમાં એનું નામ ઉમેરવા માટે, સૌથી પહેલા તો એનું નામ એના પિયરના રેશન કાર્ડ માંથી કમી કરાવવું પડે છે. આ કામ માટે તમારે મામલતદાર કચેરીમાંથી નામ કમી કરાવવાનું ફોર્મ નંબર-૪ લઈ તે ભરીને જમા કરાવવાનું રહેશે.

પિયરના રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જાય પછી નવા રેશન કાર્ડમાં પત્નીનું નામ ઉમેરવા માટે કચેરીમાંથી ફોર્મ નંબર-૩ લઈને તેને ભરીને જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત તે ફોર્મની સાથે તલાટી મંત્રીનો દાખલો, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે પુરાવા રજુ કરવા પડશે. બાળકના જન્મ પછી એમનું નામ રેશન કાર્ડમાં ઉમેરવા માટે જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડની આવશ્યકતા રહેશે.

મિત્રો, રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે અથવા તો નામ ઉમેરવા માટે કોઈપણ પ્રકારની વધારાની ફી ચૂકવવાની રહેતી નથી. રેશન કાર્ડનું વિભાજન કરીને એટલે કે નવવિવાહિત સંપત્તિનું અલગથી નવું રેશન કાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર-૫ ભરવાનું રહેશે. જે નવું રેશન કાર્ડ આવશે તે બાયોમેટ્રીક હશે માટે તેમાં ફિંગરપ્રિન્ટ આપવી પડશે.

નનું રેશન કાર્ડ બનાવવા માટે જરૂરી ડોકયુમેન્ટસ :

(1) નવું રેશન કાર્ડ કઢાવવા માટેનું અરજીપત્રક,

(2) ચુંટણી કાર્ડની ઝેરોક્ષ,

(3) પાસપોર્ટ સાઈઝના ફોટા,

(4) આધાર કાર્ડની ઝેરોક્ષ,

(5) નામ કમી કરાવ્યાનું પત્રક,

(6) આવકનો દાખલો,

(7) તલાટીનો દાખલો,

(8) છેલ્લે ભરવામાં આવેલ લાઈટ બિલની નકલ,

(9) બેંકની પાસબુકની ઝેરોક્ષ.

ઉપરના તમામ ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ તથા ઓરિજિનલ ડોક્યુમેન્ટસ પોતાની સાથે રાખવા.

નવું રેશન કાર્ડ કઢાવવા ક્યાં જવું?

જણાવી દઈએ કે, નવું રેશન કાર્ડ કઢાવવા માટે ઝોનલ કચેરી / જન સેવા કેન્દ્ર / મામલતદાર કચેરીમાં અરજી કરવી પડશે.

એ.પી.એલ – 1 રેશન કાર્ડ માટે : 20 રૂપિયા, એ.પી.એલ – 2 રેશન કાર્ડ માટે : 40 રૂપિયા ચાર્જ થાય છે. બી.પી.એલ – એ.એ.વાય. રેશન કાર્ડ નિ:શુલ્ક છે.

ખાસ નોંધ : તમારી અરજીને મંજૂરી આપવાની સતા ફકત મામલતદાર શ્રી તથા ઝોનલ અધિકારી પાસે હોય છે. અને જો તમને ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા થઇ રહી હોય, તો તમે આ નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકો છો. આ અંગે વધુ જાણકારી માટે આ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. https://dcs-dof.gujarat.gov.in/ration-card. html (લિંક કોપી કરી બ્રાઉઝરમાં પેસ્ટ કરો, સ્પેસ કાઢવી.)