પીપલોદી પાસે ભયંકર અકસ્માત, આઈસર ચાલકે મહિલા પોલીસ કર્મચારી અને તેના પતિને કચડી નાખ્યા

0
347

આજકાલ રોડ અકસ્માતના ઘણા બનાવો બનતા હોય છે, જેમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે, તો કેટલાયને ગંભીર ઈજા થતી હોય છે. હાલમાં એક એવો જ અકસ્માત હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામના એક દંપતી સાથે થયો. જેમાં તેમનું કરુંણ મોત નીપજ્યું છે. ગત મંગળવારના રોજ પૂનમ હોવાને કારણે એ દંપતી પોતાની એક્ટિવા પર હિંમતનગરમાં આવેલા કાંકણોલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા.

ત્યાંથી પાછા ફરતી વેળાએ તે પતિ પોતાની પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન હિંમતનગરના પીપલોદી નજીક એક આયશર ચાલકે તેમની એક્ટીવાને ટક્કર મારી ભાગી ગયો. આ ભયંકર અકસ્માતમાં દંપતી નીચે પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના 7 માસના ટ્વિન્સ બાળકો હતા જેમણે આ અકસ્માતમાં પોતાના માં બાપ ગુમાવ્યા છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ દુઃખદ ઘટના 12 નવેમ્બર 2019 ના રોજ સાંજે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બની છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પતિ પત્નીના નામ જીજ્ઞેશભાઇ ભગાભાઇ પટેલ અને શીતલબેન પટેલ હતા. શીતલબેન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એમ.ઓ.બી. બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.

તેઓ પોતાની એક્ટિવા પર (ગાડી નંબર GJ – 9 – CU – 8774) ઉપર હિંમતનગર જીઆઇડીસીથી સાબરડેરી તરફ જતા સર્વીસ રોડ પર જઇ રહ્યા હતા. એ દરમિયાન પીપલોદી નજીક હોન્ડા શોરૂમ પાસે એક આયશર (ગાડી નંબર GJ – 9 – Z – 6467) ના ચાલકે તેમને ટક્કર મારતા જીજ્ઞેશભાઇ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. આ અકસ્માતમાં શીતલબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને 108 માં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતું.

એમને ટક્કર મારનાર આયશર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને ઘટના સ્થળથી થોડેક આગળ આયશર મૂકીને ફરાર થઈ ગયો હતો. હિંમતનગર બી ડીવીઝનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અને તેના પતિનું એક્સિડન્ટમાં મૃત્યુ થતા પોલીસ ફોર્સમાં પણ ગમગીની છવાઈ હતી. તે બંનેની લાશ બુધવારે વડવાસા ગામે લઇ જવાતા માતાના હૈયાફાટ રૂદનથી હાજર સૌ કોઇની આંખો ભીની થઇ હતી. બીડીવી પીએસઆઇ ગઢવીએ અને પોલીસ સ્ટાફે વડવાસા જઈ અંતિમ સંસ્કાર અગાઉ પ્રણાલીગત સલામી આપી હતી.

Deadly accident

પીપલોદી નજીક થયેલા આ અકસ્માતના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટક્કર મારી ભાગી ગયેલા વાહનની તપાસ શરુ કરી હતી. આ ઘટના સ્થળેથી એમને ટર્બો લખેલો એક પ્લાસ્ટીકનો ટુકડો મળ્યા પછી તેઓ આગળ નીકળ્યા હતા, જ્યાં લગભગ 200 મીટર દુર અંધારામાં તેમને એક આયશર મળ્યુ હતું. એની જમણી બાજુની હેડલાઇટમાં મૃતક શીતલબેનના દુપટ્ટાનો ટુકડો ફસાયેલો હતો, આથી એ જ વાહનની ટક્કરથી દંપતીનું મૃત્યુ થયું છે એ સ્પષ્ટ થયું હતું.

મળેલી જાણકારી અનુસાર શીતલબેન પટેલ દોઢ મહિના પહેલા પોતાની મેટરનીટી લીવ પુરી કરીને ફરજ બજાવવા હાજર થયા હતા. અને લગભગ સાતેક મહિના પહેલા તેમણે એક બાબો અને એક બેબી એટલે કે ટ્વીન્સને જન્મ આપ્યો હતો. તે બંને બાળકો શીતલબેનના પિયર સોનાસણમાં હતા. આ દુઃખદ અકસ્માતમાં બંનેનું મોત નીપજતા એક વિધવા માતાએ એકના એક પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા છે, અને 7 માસના બે ટ્વીન્સ બાળકોએ માં બાપની છત્ર-છાયા ગુમાવી છે.