આ સરળ રીતે ઘરે જ બનાવો સુરતની પ્રખ્યાત “આલુપુરી.” એકવાર ખાસો તો વારંવાર ખાવા માંગશો.

0
810

મિત્રો આજે અમે તમારા માટે સુરતીઓનો પ્રખ્યાત નાસ્તો આલુપુરી બનવવાની રેસીપી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, આ એક એવી પુરી છે જેમાં બટાકા પુરીની અંદર નહિ પણ શાકમાં હોય છે. આલુ પુરી સુરતમાં ઘણો જ ફેમસ નાસ્તો છે. આ નાસ્તો બાળકોથી લઈને વૃદ્ધ બધાને ખાવો ગમે છે. પહેલા આલુપૂરી એક જ પ્રકારની હતી પણ હમણાં તેમાં પણ પ્રકાર આવી ગયા છે.

તમને સુરતમાં ક્રિશપિ આલુપૂરી, ચાઈનીઝ આલુપૂરી અને સાદી આલુપૂરી, ચીઝ આલુપુરી અને અન્ય બીજા પ્રકારની આલુપુરી પણ જોવા મળશે. જે લોકો આલુપુરીમાં ડુંગરી અને લસણ ખાવા માંગતા નથી, તેઓ એના વગર પણ આ રીતે આલુપૂરી ઘરે જ બનાવીને તેનો સ્વાદ લઇ શકે છે.

જરૂરી સામગ્રી :

રગડો બનાવવા માટે :

1/2 કપ સફેદ વટાણા (કઠોળ વાળા)

1 મોટી સાઈઝના બાફેલા બટાકાના નાના પીસ

1 ચમચી ધાણાજીરુ

3/4 ચમચી જીરા પાવડર

1/2 ચમચી હળદર

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી આદુની પેસ્ટ

1/2 ચમચી લસણની પેસ્ટ (જો તમે નાખવા નથી માંગતા તો નાખતા નહિ)

1 ચમચી બેસન

1 ચમચી લીલા મરચાંની પેસ્ટ

મીઠું સ્વાદ અનુસાર

પુરી બનાવવા માટે :

1 કપ મેંદો

1 નાની ચમચી તેલ

મીઠું સ્વાદ અનુસાર

લીલી ચટણી બનાવવા માટે :

5 થી 6 લીલાં મરચાં

મીઠું સ્વાદ અનુસાર

કોકમની ચટણી બનાવવા માટે :

1/4 કપ કોકમ (જેનું શરબત બને તે લેવા)

મીઠું સ્વાદ અનુસાર

સજાવટ માટે :

ઝીણી સફેદ સેવ

ઝીણી લાલ સેવ

તળેલી રોટલીનો ભૂકો

પાતળી સ્લાઈસ કરેલી ડુંગળી જરુર મુજબ (જો તમે નાખવા નથી માંગતા તો નાખો નહિ)

ચાટ મસાલો

બનાવવાની રીત :

રગડો બનાવવાની રીત :

આલુપુરીનો રગડો બનાવવા માટે સૌથી પહેલા વટાણાને પલાળી દેવાના છે. તમે ચાહો તો એને રાત્રે મૂકીને સવારે પણ બનાવી શકો છો. પછી તેને બાફી લેવાના છે. ધ્યાન રાખવાનું છે કે તે ગળી જાય નહિ. ત્યારબાદ એક વાસણ લઇને તેમાં તેલ ઉમેરવાનું છે. અને તેલ ગરમ થાય એટલે તેમાં બેસન ઉમેરીને તેને સારી રીતે મિક્ષ કરી હલાવી દેવાનું છે. પછી એમાં ઉપર જણાવેલ માત્રામાં બધા મસાલા એડ કરી દો, અને તેને હલાવી દો. અને તેમાં બટાકા અને પાણી એડ કરી દેવાનું છે.

તેમાં જે પ્રમાણમાં મિશ્રણ છે તે પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે, અને એને ફરી એક વાર સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. હવે તેને ઉકળવા દો. રગડો વધારે જાડો અથવા વધારે પાતડો રાખવાનો નથી. લચકા જેવું રાખવું. જયારે તમે આલુપૂરી ખાવાના હોય ત્યારે રગડો ગરમ હોવો જોઈએ અથવા તમે થોડું પાતળું રાખીને ફરી તેને ગરમ કરીને સર્વ કરી શકો છો. તો આ રીતે તૈયાર છે તમારો આલુપૂરીનો રગડો.

પુરી બનાવવાની રીત :

પુરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણ લઈને તેમાં મેંદો, તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો. અને તેમાં પાણી મિક્ષ કરી દેવાનું છે, અને તેનો લોટ બાંધી દેવાનો છે. ધ્યાન રાખો કે લોટ વધારે કઠળ બની ન જાય. લોટ બની ગયા પછી તમે આલુપુરીની પુરીની સાઈઝ પ્રમાણે પુરી વળી લો.

ધ્યાન રહે કે આ પુરી જાડી રાખવાની નથી. જો તમને નાની સાઈઝની પુરી બનાવતા આવડતી નથી તો તમે લોટને મોટી સાઈઝમાં વણીને તેમાં આલુપૂરીની સાઇઝનો ગ્લાસ અથવા બીજું કોઈ વાસણ લઈને કટ કરી શકો છો. આ બધી પ્રક્રિયા દરમિયાન તમે તેલને ધીમા તાપે ગરમ કરવાં મૂકી શકો છો.

ત્યારબાદ જયારે તેલ ગરમ થાય એટલે પુરીને તળી લેવાની છે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે, પુરી વધારે તળાઈ ન જાય, એટલે કે લાલ ન થઈ જાય. (આ પુરી અધકચરી તળેલી હોવી જોઈએ.) એના માટે તમારે પુરીને થોડાક જ સમયમાં કાઢી લેવાની છે. પુરી ફૂલે કે ના ફૂલે તે ચાલશે. તમે ચાહો તો પુરી પહેલાથી બનાવીને રાખી શકો છો, અને જયારે આલુપૂરી સર્વ કરવાની હોય ત્યારે તળી લો. (પણ વધારે સમય પહેલા નહિ.)

ચટણી બનાવવાની રીત :

મિત્રો લીલી ચટણી બનાવવા માટે મરચાને મીક્ષરમાં ક્રશ કરી લેવાના છે, અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. એમાં પ્રમાણ અનુસાર પાણી એડ કરી દેવાનું છે.

અને કોકમની ચટણી બનાવવા માટે પહેલા કોકમને સારી રીતે ધોઈ લેવાના છે. પછી તેને પાણીમાં થોડી વાર પલાળી રાખવાના છે, અને તે જ પાણીમાં સ્વાદાનુસાર મીઠું નાખીને પેસ્ટ બનાવી લો.

હવે બધી વસ્તુ બની ગઈ છે, તો એને સર્વ કરવાં માટે તૈયાર કરવાની છે. એના માટે પહેલા એક ડીશ લો. પછી તેમાં પુરી ગોઠવી દો. હવે 1 થી 1.5 ચમચી રગડો બધી પુરી ઉપર મૂકી દો. પછી તેની ઉપર ચમચીની મદદથી લીલી અને કોકમની ચટણી થોડા પ્રમાણમાં નાખો. અને હવે તમે તેની ઉપર જે ડુંગરી છે તેના ઉપર એક કરી દેવાની છે, અને જે આપણી સજાવટની સામગ્રી છે તેમાંથી તમે કોઈ પણ નાખી શકો છો. અથવા તમે બધી પણ નાખીને સ્વાદ લઇ શકો છો

જો તમને વધારે ક્રન્ચી ન જોયતી હોય તો તમે ફક્ત ઝીણી સેવ એડ કરીને આલુપૂરીનો સ્વાદ મેળવી શકો છો. તમે ચાહો તો તેની ઉપર ચાટ મસાલો પણ થોડો એડ કરી શકો છો. જો તમારે ચીઝ આલુપુરી ખાવી હોય તો તમે જે આલુ પુરી બનાવી છે, તેની ઉપર ચીઝ એડ કરીને તેનો સ્વાદ લઇ શકો છો. ચટણી પોતાના સ્વાદ અનુસાર રાખી શકો છો તીખી ખાટી વગેરે.

આવી રીતે તમે ઘરે બેઠા તમે બહાર જેવી આલુપૂરીનો સ્વાદ લઇ શકો છો. તેમાં તમે ચાહો તો ડુંગરી અને લસણનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકો છો. કારણ કે બજારમાં મળતી આલુપૂરીમાં મોટાભાગે રગડામાં લસણ નાખતા હોય છે. જેથી તમે આલુપૂરીનો સ્વાદ લઇ શકો નહિ. તો આ રીતે તમે ડુંગરી અને લસણ વગરની આલુપૂરીનો સ્વાદ લઇ શકો છો.

વિડીયો :