ઓર્ગેનિક ખેતી માટે પ્રખ્યાત 105 વર્ષની અમ્માને મળ્યું પદ્મશ્રી, પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ.

0
125

105 વર્ષની ઉંમરે પણ ફિટ છે પદ્મશ્રી મેળવનારી અમ્મા, કરે છે ઓર્ગેનિક ખેતી, તેમના જીવન વિષે જાણીને ચકિત થઈ જશો. ગણતંત્ર દિવસના અવસર પર પદ્મશ્રી પુરસ્કાર 2021 ની યાદીની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં મહિલાઓએ બાજી મારતા પોતાના નામે આ એવોર્ડ કર્યો. કોઈએ આખું જીવન ગરીબી જોઈ તો કોઈએ લોકોના ઘરે કચરા-પોતા પણ કર્યા.

એ વાતમાં તો કોઈ શંકા નથી કે મહિલાઓની મહેનત અને તેમના ઉત્તમ યોગદાનને કારણે જ આજે તેઓ આ યાદીમાં આવી શકી છે. અને આ યાદીમાં શામેલ છે અમ્મા પપ્પામ્મલ જે તમિલનાડુની રહેવાસી છે. હાલમાં જ પીએમ મોદી પણ તેમને મળ્યા હતા. તો આવો તમને જણાવીએ કે, કોણ છે અમ્મા પપ્પામ્મલ?

ખેતી માટે પ્રસિદ્ધ અમ્મા પપ્પામ્મલ : 105 વર્ષના અમ્મા આર પપ્પામ્મલ તમિલનાડુના રહેવાસી છે, અને તે આ ઉંમરે પણ ખેતી કરી રહ્યા છે. ખરેખર ખેતી જ તેમની ઓળખ છે. ખાસ વાત એ છે કે, આ ઉંમરમાં આવીને લોકો પોતાના સપનાને અને પોતાની ઈચ્છાને પાછળ છોડી દે છે, પરંતુ અમ્મા પપ્પામ્મલ આજે પણ ખેતી કરે છે. તે ભવાની નદીના કાંઠે એક ગામમાં પોતાનું ઓર્ગેનિક ફાર્મ ચલાવે છે અને શાકભાજી અને અનાજ ઉગાડે છે.

નાની ઉંમરમાં જ છીનવાઈ ગયો હતો માતા પિતાનો સાથ : અમ્મા પપ્પામ્મલનો જન્મ કોયમ્બતૂરના દેવલાપુરમમાં થયો હતો. જયારે તે ઘણી નાની હતી ત્યારે તેમના માતા-પિતાનો સાથ છીનવાઈ ગયો હતો. માતા-પિતાના ગુજરી ગયા પછી તે 2 બહેનો સાથે પોતાની દાદી સાથે રહેવા લાગ્યા.

ધીમે ધીમે તે કુટુંબની એક દુકાન સંભાળવા લાગ્યા, અને પછી ખાણી-પીણીની એક દુકાન શરુ કરી. ખેતી અને જૈવિક ખેતી તરફ અમ્મા પપ્પામ્મલનું આ પહેલુ પગલું હતું. ત્યાર પછી તેમણે દુકાન દ્વારા થયેલી કમાણીથી ગામમાં એક જમીન ખરીદી. તે સમયે તેમની ઉંમર 30 વર્ષની હતી.

કરે છે ઓર્ગેનિક ખેતી : અમ્મા પપ્પામ્મલનું નામ આજે ન માત્ર તમિલનાડુમાં પરંતુ આખા દેશમાં ફેમસ છે. તે ઓર્ગેનિક ખેતી માટે ઓળખાય છે. અમ્મા પપ્પામ્મલ ન માત્ર તેમની બહેનોની પણ તેમના બાળકોની પણ જવાબદારી સંભાળે છે.

105 વર્ષની ઉંમરે પણ ફીટ છે અમ્મા પપ્પામ્મલ : અમ્માના દિવસની શરુઆત બીજા લોકોની જેમ 9 કે 10 વાગ્યે નથી થતી. તે તો 5 વાગ્યે જ ઉઠી જાય છે અને 6 વાગ્યે તો તે પોતાના ખેતરમાં કામ કરતી જોવા મળે છે. આ કારણે તે આજે પણ એટલી ફીટ છે કે યુવાનોને પણ ફિટનેસની બાબતમાં પાછળ મૂકી દે. પપ્પામ્મલ પાસે ગામમાં 2.5 એકર પોતાની જમીન છે.

અમ્મા 105 વર્ષના આ ઉંમરના પડાવમાં પણ જૈવિક ખેતી કરે છે, અને ઘણા બધા પાક ઉગાડે છે. અમ્મા પપ્પામ્મલ તમિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલયના શિક્ષણ વિભાગ સાથે પણ જોડાયેલી છે. સાથે સાથે તે સેમીનાર અને કોન્ફરન્સમાં પણ ભાગ લે છે, અને જૈવિક ખેતીની ટેકનીક અને ફાયદા વિષે જણાવે છે.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા : અમ્મા આર પપ્પામ્મલને જૈવિક ખેતી માટે પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમનું પોતાનું ફાર્મ છે અને તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની ખેતીની ખાસ વાત એ છે કે, તે રસાયણના ઉપયોગ વગર ખેતી કરે છે. ઘણી બધી યુનિવર્સીટી વાળા પણ તેમના વિદ્યાર્થીઓને તેમની પાસે આ પ્રકારની ખેતી કરતા શીખવા મોકલે છે.

પીએમ મોદીએ કરી મુલાકાત : હાલમાં જ પીએમ મોદીએ પણ અમ્મા સાથે મુલાકાત કરી અને તે તેમના કામથી ખુશ છે. તેમની સાથેના ફોટાને શેયર કરતા પીએમ મોદીએ કેપ્શનમાં લખ્યું, આજે કોયમ્બતૂરમાં અસાધારણ આર પપ્પામ્મલજી સાથે મુલાકાત કરી. કૃષિ અને જૈવિક ખેતીના ક્ષેત્રમાં અવિસ્મરણીય કામ માટે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.