10 વર્ષનો આ ટેણીયો દેશના વયસ્ક લોકો માટે છે પ્રેરણાનો સ્ત્રોત, રોજ વહેલો ઉઠીને કરે છે ઓક્સિજનનું વાવેતર.

0
81

આજે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, માણસ ઓક્સિજન માટે ભટકી રહ્યો છે. આપણા દેશની જ વાત કરીએ તો આપણે ત્યાં ઓક્સિજનની એટલી જોરદાર અછત વર્તાઈ છે કે, બહારથી લીકવીડ ઓકિસજન આવી રહ્યું છે. એવામાં આજે અમે 10 વર્ષના એક એવા બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ જે ઓક્સિજનનું વાવેતર કરી રહ્યો છે.

આ બાળક મહેસાણાનો છે. માત્ર 10 વર્ષનો આ બાળક રોજ સવારે 6 વાગે ઉઠીને રસ્તાની સાઈડમાં લગાવેલા 10 વૃક્ષોને પાણી પાય છે. આ બાળક નાનો જરૂર છે પણ તેના વિચારો ઘણા મોટા છે. જે વૃક્ષો આપણને મફત ઓક્સિજન આપે છે તેની કોઈ સાંભળ નથી રાખતું, આથી આ વૃક્ષોને જીવાડવાનું કામ આ 10 વર્ષનો ટાબરીયો કરી રહ્યો છે. આ બાળક રોજ સવારે છ વાગ્યે ઊઠીને પોતાની સોસાયટી નજીકના રોડની સાઈડમાં રહેલા 10 વૃક્ષોને પાણી પીવડાવી રહ્યો છે. આ મહાન કામ કરી તે અન્ય લોકોને વૃક્ષોના જતનની પ્રેરણા આપી રહ્યો છે.

જણાવી દઈએ કે, આ બાળકનું નામ આરવ પટેલ છે. તે રાધનપુર રોડ ઉપર આવેલ શૈલજા હોમમાં રહે છે. તેના પિતા કેતનભાઈ પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેના મમ્મી પણ પ્રોફેસર છે. આરવ ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. તે નાનો જરૂર છે પણ ઘરમાં દરેક આજ્ઞાનું પાલન કરે છે.

તે રોજ સવારે 6 વાગે ઉઠી જાય છે. તે રોજ પૂજા પાઠ પણ કરે છે. તે રોજ સવારે ઘરેથી પાણીનો અડધો કેલબો ભરી અડધાથી એક કિલોમીટર દૂર રાધનપુર રોડ પરના વૃક્ષોને પાણી આપે છે. આ કામ તે છેલ્લા દોઢ વર્ષથી કરી રહ્યો છે. તે ત્રણથી ચાર ફેરામાં 10 જેટલા વૃક્ષોને નિયમિત રીતે પાણી સિંચે છે.

આરવ કહે છે કે, જો દરેક લોકો વૃક્ષોનો ઉછેર કરે તો આપણને કંઈ તકલીફ ન થાય. આરવના પિતાના જણાવ્યા અનુસાર, આરવને નાનપણથી જ વૃક્ષો ઉછેરવાનો શોખ છે. તે નાનો છે એટલે અમે તેને રોડ ઓળંગવા નથી દેતા. તે સોસાયટીના ગાર્ડન અને સોસાયટીની સાઇડે રાધનપુર રોડ ઉપર આવેલા વૃક્ષોને રોજ પાણી પીવડાવે છે. ઉચ્ચ વિચારવાળા આરવનું કહેવું છે કે, આપણે વૃક્ષોનું જતન કરીશું, તો આવનારા સમયમાં ઓક્સિજનની તકલીફ નહીં પડે.

તે રોડ પરથી પસાર થતા એક NGO સંચાલકે આરવને આ કામ કરતા નજરે જોયો. તેમણે કહ્યું કે, રોજ રોડ પરથી પસાર થતી એમ્બ્યુલન્સના સાયરનોથી મારું હૃદય કંપી જાય છે. એવામાં મને રોડની સાઈડ પરના ઝાડવાઓને પાણી પાતો એક 10 વર્ષનો છોકરો જોવા મળ્યો. મેં તેની સાથે વાતો કરી તો તેણે મને જણાવ્યું કે, તે ચોથા ધોરણમાં ભણે છે. તે રોજ ઝાડવાને પાણી પાય છે. તેના માટે તેણે પોતાના ઘરથી રોડ સુધી આવવા જવામાં 1 કિલોમીટર જેટલું અંતર થાય છે. છતાં પણ તે રોજ પોતાની સાઇકલ પર 15 લીટરના 3 થી 4 કેલબા પાણી લાવીને 10 ઝાડને પાણી પાય છે.

તે છોકરાએ કહ્યું કે, કો-રો-ના મહામારીમાં આપણે ઓક્સિજન જરૂર શોધીએ છીએ, પણ કોઈ વૃક્ષો ઉછેરવા તૈયાર નથી. મને મારા મમ્મી-પપ્પા પાસેથી પ્રેરણા મળી અને હું 6 વાગે ઉઠીને આ કામે લાગી જાવ છું.

ભવિષ્યનું વિચારનાર આ નાના બાળકને જેટલી સલામી આપવામાં આવે એટલી ઓછી છે.